જાપાનના પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો અબે આજે અમદાવાદ આવી પહોંચશે. ભારત – જાપાન રાજદ્વારી મંત્રણા અને બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ભૂમિપૂજન થશે.

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટના ભૂમિપૂજન માટે જાપાનના પ્રધાનમંત્રી શ્રી શીન્ઝો એબે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીશ્રીનું અમદાવાદ ખાતે બપોરે આગમન થશે. ત્યાંથી તેઓ સીધા સાબરમતી ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. બન્ને  આશ્રમમાં થોડો સમય રોકાઇને, તેમના જીવન દર્શનને નિકટતાથી નીહાળશે. એરપોર્ટથી સાબરમતી આશ્રમના માર્ગ પર ઠેરઠેર વિવિધ જગ્યાએ વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાના દર્શન કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મહાનુભાવોનું  સ્વાગત કરાશે. ત્યાર બાદ  સાંજે અમદાવાદના ઐતિહાસિક નજરાણા સમાન સીદી સૈયદની જાળી કે જેને તાજેતરમાં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે તેની પણ મુલાકાત લેનાર છે. ગુરૂવારે દેશના સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટનું એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, સાબરમતી રેલવે સ્ટેડિયમ ખાતે ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ મહાત્મા મંદિર ખાતે દાંડી કુટિરની મુલાકાત લેશે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન ચારિત્ર્યને લગતી આોડિયો વિઝ્યુઅલ ઝાંખીનું ભવ્ય પ્રદશર્ન છે તેને રસપૂર્વક નિહાળીને ગાંધીજીના જીવન કવનને જાણશે. દિવસ દરમિયાન જાપાનના પ્રતિનિધિમંડળ સાથે બિઝનેસ ઇવેન્ટ સહિતના વિવિધ બિઝનેસને લગતા કાર્યક્રમો યોજાશે. ત્યાર બાદ સાંજે સાયન્સ સીટીની મુલાકાત લઇને એજ દિવસે રાત્રે  શ્રી એબે ટોકિયો જવા રવાના થશે.