શાળાએ જતાં બાળકોની શારીરીક અને જાતીય સતામણી અંગે માર્ગદર્શન માટે સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી.

સરકારે શાળાએ જતા બાળકો સાથેના શારીરિક કે માનસિક દુર્વ્યવહાર અટકાવવા અને સલામતી નક્કી કરવાના હેતુસર નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધી અને માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. બંને મંત્રાલય સિવાય રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ, સી.બી.એસ.ઈ., એન.સી.ઈ.આર.ટ.ી અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના અધિકારી બેઠકમાં ભાગ લેશે. શ્રીમતી મેનકા ગાંધીએ માનવ સંસાધન વિકાસ મંત્રી સાથે સ્કૂલ બસોમાં મહિલા કર્મચારીઓની નિયુÂક્ત, બાળકો સાથેના યૌનશોષણ અંગે શાળાઓમાં શૈક્ષણિક ફિલ્મ દર્શાવવા, ઓન લાઇન ફરિયાદ દાખલ કરવાની વ્યવસ્થા પોક્સો-ઇ-બોક્સ અને ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર ૧૦૯૮ વિશે એન.સી.ઈ.આર.ટી. પ્રકાશનોના માધ્યમથી જાગૃતિ ફેલાવવા જેવા સૂચનો પર વિચાર કરવાનો આગ્રહ રાખ્યો છે.

શાળાઓમાં બાળકો સાથેના દુર્વ્યવહારની વધતી દુર્ઘટનાઓના કારણે આ બેઠક યોજાઈ રહી છે. તાજેતરમાં જ ગુરૂગ્રામની રેયોન સ્કૂલમાં સાત વર્ષના બાળકની હત્યા બાદ તેના પિતાએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી ઘટનાની સી.બી.આઈ. તપાસ કરાવવાની માગણી સાથે સુરક્ષા અંગેની માર્ગદર્શિકા નક્કી કરવા પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે સોમવારે કેન્દ્ર સરકાર, હરિયાણા સરકાર અને સી.બી.એસ.ઈ.ને નોટિસ પાઠવી હતી. અદાલતે શુક્રવારે એક અલગ અરજી પર સુનાવણી કરશે, જેમાં સ્કૂલે જતાં બાળકોની સલામતી અંગેના નિયમોના પાલન સુનિશ્ચિત કરવા માંગણી કરાઈ છે.