કેન્દ્રિય તપાસ સંસ્થા–સીબીઆઈની વિશેષ અદાલતે વેસ્ટ લેન્ડ વી.વી.આઈ.પી. હેલીકોપ્ટર સોદા મામલે ત્રણ યુરોપીયન વચેટિયા વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે.

કેન્દ્રિય તપાસ સંસ્થા સીબીઆઈની વિશેષ અદાલતે વેસ્ટલેન્ડ વી.વી.આઈ.પી. હેલીકોપ્ટર સોદા મામલે ૩ યુરોપીયન વચેટિયા વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે. અદાલતે ગઈકાલે પૂર્વ વાયુસેના પ્રમુખ એસ.પી. ત્યાગી સહિત અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યું હતું.

સીબીઆઈએ જણાવ્યું છે કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં તેના દ્વારા દાખલ કરાયેલ આરોપનામાના આધારે આરોપીઓ વિરૂદ્ધ બિનજામીનપાત્ર સમન્સ બહાર પાડવામાં આવ્યા છે. વચેટિયા કાર્લો એફ ગેરોસા, ક્રિશ્ચયન માઈકલ અને ગુઈડી હાસચકેની વિરૂદ્ધ પણ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. ગત યુપીએ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન ઈંગ્લેન્ડની કંપની અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી વિશિષ્ટ લોકો માટે ૧૨ હેલીકોપ્ટરની ખરીદીમાં કથિતરૂપે લાંચ આપવાના મામલે સીબીઆઈએ એસ.પી. ત્યાગી અને પાંચ વિદેશી નાગરિકો સહિત નવ લોકો વિરૂદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું. જેમાં સરકારને હેલીકોપ્ટર સોદામાં અંદાજે ૬૬૬ કરોડ રૂપિયા નુકસાનનું અનુમાન લગાવાયું છે. ૩ હજાર ૭૨૬ કરોડ રૂપિયાના હેલીકોપ્ટર માટે ફેબ્રુઆરી – ૨૦૧૦માં સોદા પર હસ્તાક્ષર કરાયા હતા.