જીએસટીના દરને કોઇ પણ ચૂંટણીમાં જોડવાનો છે ‘કિશોર રાજનીતિ’: એફએમ અરૂણ જેટલી

નાણામંત્રી અરૂણ જેટલીએ આગામી ચૂંટણીના કારણે સરકારને ૨૦૦થી વધુ વસ્તુઓમાં વસ્તુ સેવા-કર જીએસટીમાં ઘટાડો કરવાની ફરજ પડી હોવાના કોંગ્રેસના આક્ષેપ ફગાવતા કહ્યું કે જીએસટી દરોમાં તર્કસંગત ઉદારીકરણની પ્રક્રિયા છેલ્લા ૩-૪ મહિનાઓથી ચાલી રહી છે.

જીએસટીમાં એક જ દરની માંગણી કરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની માંગણી ફગાવતા શ્રી જેટલીએ ઉમેર્યું કે આગામી દિવસોમાં દરોમાં વધુ તર્કસંગત ફેરફાર થઈ શકે છે. પરંતુ તે જીએસટીથી ઊભી થતી મહેસૂલી આવકના આધારે નક્કી થશે. શ્રી જેટલીએ કહ્યું કે ફિટમેન્ટ સમિતિ દ્વારા કરાયેલા સૂચનોના આધારે જીએસટી કાઉન્સીલ છેલ્લા ૩-૪ મહિનાથી કરોના દરમાં સુધારાની પ્રક્રિયા કરી રહ્યું છે. શ્રી જેટલીએ જીએસટી દરોમાં તર્કસંગત સુધારાનો તર્ક આપતા કહ્યું કે આમ કરવાનો મુખ્ય ઉદ્દેશ નવી કર પ્રણાલિનું અમલીકરણ સરળ બની રહે તે છે. તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી સુધારણાની જરૂર દેખાશે ત્યાં સુધી સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે.