પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનિલામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિલિપીન્સના રાષ્ટ્રપતિ સાથે અલગ અલગ દ્વિપક્ષી બેઠકો કરી. ભારત અને ફિલિપીન્સે ચાર સમજૂતી કરાર કર્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મનીલામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિલિપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રીગો ડ્યૂટેર્ટે સાથે દ્વિપક્ષી મંત્રણાઓ કરી.

ફિલિપીન્સની રાજધાની મનીલામાં ચાલી રહેલી આસિયાન શિખર બેઠકમાં ભાગ લેવા ગયેલા શ્રી મોદીએ અલગથી આ મંત્રણાઓ કરી હતી. તેમાં ખાસ કરીને કોરિયાઈ દ્વિપસમૂહ, અખાતી દેશો, મધ્યપૂર્વ અને મ્યાંમારમાં રોહિંગ્યા સમસ્યા વિષે ચર્ચા થઈ હતી. આ નેતાઓએ અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિની પણ લંબાણપૂર્વક ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનને દરિયાઈમાર્ગે મોકલવામાં આવેલા ઘઉંની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વતન પરત આવવા માગતા અફઘાન શરણાર્થીઓ માટે સિંચાઈ, તાલીમ અને રહેઠાણની સુવિધાઓ ઊભી કરવા ભારત વચનબદ્ધ છે. શ્રી મોદીએ અમેરિકામાંથી પહેલીવાર ભારત આવી પહોંચેલા ક્રૂડ ઓઈલના જહાજની પણ નોંધ લીધી હતી. આ દ્વિપક્ષી મંત્રણાઓમાં ભારત તરફથી રાષ્ટ્રીય સલામતિ સલાહકાર, વિદેશ સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ પણ ચર્ચામાં જાડાયા હતા. અમેરિકા તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે વિદેશમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રીગો ડ્યૂટેર્ટે બંને દેશો વચ્ચે વેપાર અને મૂડીરોકાણ વધારવા તથા ત્રાસવાદને કાબૂમાં લેવા સહકાર વધારવા સહમત થયા હતા. બંને દેશો વચ્ચે ગઈકાલે સંરક્ષણ, પરિવહન, કૃષિ, તેમજ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ સાહસોમાં સહકાર વધારવાના કુલ ચાર કરાર થયા હતા. ભારતીય વિદેશ વેપાર પરિષદ અને ફિલિપીન્સ વિદેશ સેવા સંસ્થા વચ્ચે આદાનપ્રદાન વધારવાની સમજૂતી પણ સધાઈ હતી. બંને દેશ ત્રાસવાદનો ભોગ બની રહ્યા હોવાથી બંને નેતાઓ ત્રાસવાદને રોકવા સહકાર વધારવાનો નિર્ણય પણ કરાયો હતો.