ઇસરો દ્વારા આજે પી.એસ.એલ.વી. રોકેટ દ્વારા કાર્ટોસેટ-ટુ સિરીઝ તેમજ અન્ય ૨૯ ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવશે.

ઇસરો દ્વારા આજે કાર્ટોસેટ ટુ શ્રેણીના ઉપગ્રહને પીએસએલવી રોકેટ મારફતે પ્રક્ષેપણ કરવાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેના સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી સવારે નવ વાગેને ૨૯ મિનિટે રોકેટ પ્રયાણ કરશે.

કાર્ટોસેટ ટુ શ્રેણી અને અન્ય ૨૯ ઉપગ્રહો પ્રક્ષેપણ થયાની સાડા સત્તર મિનિટ બાદ ૫૦૫ કિલોમીટરની સનસીન્ક્રોનસ પરિભ્રમણ કક્ષામાં પ્રવેસશે. ત્યારબાદ મલ્ટીપલ એન્જિન સ્વીચઓન પદ્ધતિથી ઇસરો દ્વારા તૈયાર કરાયેલ પેલોડ માઇક્રોસેટને ૩૫૯ કિલોમીટર ઉંચાઇ વાળી પરિભ્રમણ કક્ષાથી છોડી દેવામાં આવશે.

માત્ર એક જ ઉડ્ડયન મારફતે એક સાથે જુદી જુદી કક્ષામાં ઉપગ્રહો તરતા મુકવાનું આ અભિયાન ઇસરો દ્વારા ચોથીવાર કરવામાં આવી રહ્યું છે. ગત વખતે કરાયેલા બે કલાક ૨૨ મીનીટના ઉડ્ડયન બાદ આ સૌથી લાંબા સમયનું ઉડ્ડયન હશે.

કાર્ટોસેટ-ટુ શ્રેણીનો આ ઉપગ્રહ સાતમો રિમોર્ટ સેન્સીંગ ઉપગ્રહ છે. જે પાંચ વર્ષની સમયમર્યાદા માટે કાર્યરત રહેશે. જેના દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો, દરિયા કિનારાના વિસ્તારો, પરિવહન, પાણીની વહેંચણી, ભૌગોલિક ફેરફારો વગેરેને અનુલક્ષીને જમીનના નકશા તૈયાર કરવામાં મદદ મળી રહેશે.