પેલેસ્ટાઇનમાં ગાઝાપટ્ટી નજીક થયેલા દેખાવો અને અથડામણમાં ૫૯ જણાંના મોત – રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિની તાકીદની બેઠક બોલાવવામાં આવી.

પેલેસ્ટાઇનમાં ગાઝાપટ્ટી નજીક દેખવોમાં થયેલી અથડામણમાં મૃત્યુઆંક ૫૯ થયો છે. આરોગ્યમંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયલી સૈનિકોના ગોળીબરમાં મોટાભાગના માર્યા ગયા છે. અને તેમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. ૨૪૦૦ જેટલા લોકોને ઇજાઓ થઇ છે. અમેરિકાએ તેલ અવીવથી જેરૂસલેમમાં એલચી કચેરી ખસેડતાં તેના વિરોધમાં પેલેસ્ટાઇનના લોકોએ દેખાવો તથા પથ્થરમારો કર્યા હતા. તેમાં ૪૦ હજારથી વધુનું ટોળું એકઠું થયું હતું. ઇઝરાયેલના લશ્કરના જણાવ્યા અનુસાર તેમના વિમાન દ્વારા હમાસના ૧૧ સ્થળો અને બે ત્રાસવાદી અડ્ડાઓ પર ગોળીબાર કર્યા હતા. ઇઝરાયેલે જણાવ્યું છે કે, સરહદ પર તારના વાડ ઓળંગી ઘુસણખોરી અટકાવવા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાઝાપટ્ટીમાં હમાસ સંસ્થા દ્વારા તેમનો રક્ષાકવચ તરીકે ઉપયોગ થઇ રહ્યો છે, અને હીંસા આચરે છે. પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂલ અબ્બાસે મોતના વિરોધમાં બંધ જાહેર કર્યો છે. દરમિયાન અમેરિકાએ રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિએ કરેલી હીંસાની તપાસની માંગણી અંગેના ઠરાવને અટકાવ્યો છે.