કર્ણાટકમાં કોઈપણ પક્ષને બહુમતિના અભાવે ભાજપ, કોંગ્રેસ અને જનતાદળ – સેક્યુલર દ્વારા સરકાર રચવા ગતિવિધિ. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોએ શ્રી યેદીયુરપ્પાને નેતા પદે ચૂંટ્યા.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં કોઈપણ પક્ષને બહુમતી ન મળતાં રાજકીય ગતિવિધિ તેજ બની છે. સરકાર રચવા માટે ભાજપ અને જનતાદળ સેક્યુલર તથા કોંગ્રેસ સક્રિય બન્યા છે. આજે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં શ્રી યેદીયુરપ્પાને નેતા તરીકે  ચૂંટવામાં આવ્યા છે, બાદમાં તે રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર રચવા બહુમતિનો દાવો કર્યો હતો.

આ અગાઉ પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રિય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે સરકાર રચવા માટે પાછલા બારણે ઘૂસવાનો કોંગ્રેસ પર આરોપ મૂક્યો તેમણે કહ્યું કે, કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો છે. ભાજપ સૌથી મોટો પક્ષ છે,અને રાજ્યપાલ સરકાર રચવા કોને બોલાવવા તેનો નિર્ણય કરશે. તેમણે કોંગ્રેસ જનતાદળ સેક્યુલર જાડાણને અનૈતિક ગણાવ્યું હતું. બંને એકબીજાના વિરોધમાં પ્રચાર કરતા હતા. રાજ્યની જનતાના ટેકા સાથે ભાજપની સરકાર રચાશે તેવો તેમણે દાવો કર્યો હતો.