આધાર સોફ્ટવેર સાથે છેડછાડના અહેવાલ આધાર સત્તામંડળે નકારી કાઢ્યા

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળે સમાચારનું ખંડન કર્યુ છે કે આધાર સોફટવેર સાથે કોઈ છેડછાડ થઈ રહી છે. આધાર સત્તાવાળાઓએ આ સમાચારોને ખોટા અને બિન જવાબદાર ગણાવ્યા છે. એક નિવેદનમાં ભારતીય વીશિષ્ટ ઓળખ સત્તા મંડળે કહયું કે કેટલાક સ્વાર્થી તત્વો જાણી જાઈને લોકોમાં ખોટી ભ્રમણા ઉભી કરવાની કોશિષ કરે છે, જે અયોગ્ય છે. આધાર સત્તા મંડળે આધાર કાર્ડ સાથે છેડછાડ કરીને અનેક આધાર કાર્ડ બનાવી શકવાના દાવાને પણ ખોટો અને પાયાવિહિન ગણાવ્યો હતો. આધાર સત્તામંડળે જણાવ્યું કે આધારકાર્ડમાં કોઈપણ રહેવાસીના વર્ણનની શરૂથી અંત સુધીની સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરાઈ છે. જેથી તેની સાથે કોઈ છેડછાડ થઈ શકે નહીં. સત્તામંડળે એ સ્પષ્ટતા પણ કરી છે કે કોઈ પણ ઓપરેટર આધારકાર્ડ જયાં સુધી વ્યકિત પોતાનો બાયોમેટ્રીક ના આપે ત્યાં સુધી આધારકાર્ડ બનાવી શકતો નથી કે તેમાં કોઈ ફેરફાર પણ કરી શકતો નથી. આથી આધારકાર્ડની મુળ માહિતીમાં ખોટી વિગતો ભરી શકાતી નથી. આધાર સત્તામંડળે લોકોને સલાહ આપી છે કે પોતાનું આધારકાર્ડ બનાવવા અથવા જે આધારકાર્ડ છે તેમાં ફેરફાર કરવા બેંકોની શાખાઓમાં કાર્યરત કેન્દ્રો, પોસ્ટ ઓફીસો, સરકારી કચેરીઓમાં જ જાય.