દેશભરમાં આજે ગણેશોત્સવનો હર્ષોલ્લાસપૂર્વક આરંભ

દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે. આ દિવસને વિનાયક ચતુર્થી પણ કહેવાય છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી ચાલશે અને ભગવાન ગણેશની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થશે. ગણેશોત્સવ અન્ય રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાતમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આજે સમાજના બધા વર્ગોના લોકો પરંપરાગતરૂપે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ ગણેશ ઉત્સવ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી કોવિંદે પોતાના સંદેશામાં કહ્યું છે કે, આ ઉત્સવ સમાજના બધા વર્ગના લોકોને એકસૂત્રથી બાંધે છે. તેમણે શુભકામના વ્યક્ત કરતાં કહ્યું છે કે, ભગવાન ગણેશ સુખ, શાંતિ,સમૃદ્ધિ અને પ્રગતિના પંથે આગળ વધવા સૌને પ્રેરિત કરે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કહ્યું કે, ભગવાન ગણેશની બુદ્ધિ-સમૃદ્ધિ અને સારા ભવિષ્યના પ્રતિકના રૂપે ઉપાસના કરાય છે. તેમણે ગણેશોત્સવ નિમિત્તે દેશવાસીઓને શાંતિ, સંપન્નતા અને સદ્‌ભાવની શુભકામના વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશોત્સવ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.