નેપાળના સામ્યવાદી નેતા દહાલની ભારત મુલાકાત

નેપાળ સામ્યવાદી પક્ષના નેતા પુષ્પ કમલ દહાલ – પ્રચંડની ત્રણ દિવસની ભારત મુલાકાત અત્યંત સફળ તથા ઘણી રીતે મહત્વપૂર્ણ કહી શકાય. ગત વર્ષ ઓક્ટોબરમાં નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે.પી.શર્મા ઓલીના પક્ષ સાથે જાડાણ બાદ શ્રી દહાલની આ પ્રથમ ભારત મુલાકાત હતી. શર્મા અને દહાલના ગઠબંધને સંયુક્ત રીતે નેપાળની સંધીય સંસદીય તથા પ્રાંતીય વિધાનસભા ચૂંટણી લડી હતી અને બે તૃતિયાંશ બહુમતિથી જીત મેળવી હતી અને નેપાળ સંસદના નીચલા ગૃહમાં ૨૭૫ સભ્યોની બહુમતિ સાથે સંઘીય સરકાર તથા નેપાળના સાત પ્રાંતમાંથી છ પ્રાંતમાં સરકાર બનાવી હતી.

મુલાકાત દરમિયાન શ્રી પ્રચંડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેમણે ગૃહમંત્રી રાજનાથસિંઘ, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ સાથે સઘન ચર્ચા-વિચારણા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સાથેની એક કલાક લાંબી મુલાકાત દરમિયાન શ્રી મોદીએ ભારત નેપાળના સંબંધોની મહત્તા વિશે વાત કરી હતી. બંને નેતાઓએ ભારત-નેપાળના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. જેમાં નેપાળમાં ભારતની સહભાગીતાથી ચાલતા પ્રોજેક્ટ ખાસ કરીને જાડાણ, પાવર ટ્રાન્સમિશન અને હાઇડેલ પ્રોજેક્ટ તથા લોકોથી લોકોના સંપર્ક, વેપાર અને આર્થિક સંબંધોનો વધારો જેવી બાબતો અંગે ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે તેઓએ શ્રી મોદીએ મે મહિનામાં લીધેલી નેપાળ મુલાકાત દરમિયાન થયેલી વાતચીત તથા લિમસ્ટેક પરિષદમાં તેમની ભાગીદારી તથા નેપાળના નેતાઓ સાથે થયેલી વાતચીતને યાદ કરી હતી.

શ્રી દહાલની શ્રી મોદી સાથેની મુલાકાત તેમની આગામી ચીનની મુલાકાતના સંદર્ભમાં પણ અગત્યની છે. કારણ કે, ચીન નેપાળમાં માળખાકીય અને જાડાણ પ્રોજેક્ટ વધારવા વિચારી રહ્યું છે. ઉપરાંત ચીન અને નેપાળે હાલમાં જ નેપાળને વેપાર માટે ચીનના બંદરોના ઉપયોગ માટે મંજૂરી આપી છે. જેનાથી વેપાર માટે નેપાળની ભારત પરની નિર્ભરતામાં ઘટાડો થશે. જાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શી જીનપીંગની તાજેતરની મુલાકાતોથી ભારત-ચીનના સંબંધો પણ ઝડપથી વીકસી રહ્યા છે.

ગૃહમંત્રી રાજનાથસિંહ સાથેની મુલાકાત દરમિયાન શ્રી દહાલે બંને દેશો વચ્ચેની ખુલ્લી સરહદો પર સ્થિતિ મુદ્દે તથા સરહદ સંબંધિત અપરાધોના ઉકેલ અને ભારતમાં વસતા નેપાળ સમુદાયના હિતો અંગે ચર્ચા કરી હતી.

સુશ્રી સ્વરાજ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોહાલ સાથે તેઓએ તમામ ક્ષેત્રે દ્વિપક્ષીય જાડાણો વધારવા અંગેના મંતવ્યોની આપ-લે કરી હતી.

ભારતના નેતાઓ સાથે વાતચીત ઉપરાંત શ્રી દહાલે ભારતીય ઉદ્યોગ સમુદાયને સંબોધન કર્યું હતું અને તેમને નેપાળમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

ભારત-નેપાળના સંબંધોને ખાસ ગણાવતા તેમણે ભારતને નજીકનો પાડોશી ગણાવી ભારતની વિકાસકૂચ અને વૈશ્વિક સ્તરે ભારતના વધતા કદ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

નેપાળના બે અગ્રણી પક્ષોના જાડાણ બાદ ટૂક સમયમાં યોજાનાર પ્રથમ સામાન્યસભા સુધી શ્રી ઓલી  અને દહાલ નવ રચિત નેપાળ કોમ્યુનિસ્ટ પક્ષની સહ-અધ્યક્ષત કરી રહ્યા છે. આ ઉપરાંત સર્વોચ્ચ પદ માટે તેઓ વચ્ચે સમજૂતિ થઈ છે. જે મુજબ સંસદ કાર્યકાળના પાંચ વર્ષમાં પ્રથમ ત્રણ વર્ષ પ્રધાનમંત્રી પદ શ્રી ઓલી સંભાળશે. જ્યારે બાકીના બે વર્ષ માટે શ્રી દહાલ પ્રધાનમંત્રી બનશે.

એવું મનાય છે કે, શ્રી દહાલ બે મુખ્ય પાડોશી ભારત અને ચીનની મુલાકાતો દ્વારા નેપાળમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યું છે.

લેખકઃ રતન સામડી