આજે સવારે ઉત્તર પ્રદેશના રાઈ બરેલી નજીક ન્યૂ ફરાક્કા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડતા આઠ લોકોના મોત થયા છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે દુર્ઘટનામાં મૃતકો અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકોને વિશ્વસ્તરીય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પોલીસની કાર્યપ્રણાલીમાં વિશેષતાની  જરૂર પર ભાર મૂક્યો છે. તેઓ ગઇકાલે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવાની ૨૦૧૭ની બેચના પ્રોબેશનરી અધિકારીઓને સંબોધિત કરતા તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું.

શ્રી સિંહે કાયદો લાગુ કરવાવાળી એજન્સીઓને વિશેષ કૌશલ્ય અને ક્ષમતાઓમાં વૃદ્ધિ માટે પોલીસ અધિકારીઓને તેમના રસ રૂચિના ક્ષેત્રમાં ખાસ તાલીમ આપવા પર ભાર મૂક્યો હતો. ગૃહમંત્રીએ યુવા પોલીસ અધિકારીઓ સાથે ટેકનોલોજીમાં ઝડપથી થઈ રહેલાં ફેરફારો  અને સાયબર ગુનાઓથી ઊભા થતાં પડકારોને પહોંચી વળવા પોતાને તૈયાર કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દેશ સામે ઉચ્ચ ટેકનોલોજીનો સહારો લઈને કરાતા ગુના, આતંકવાદ અને માઓવાદ-ઉગ્રવાદ જેવા તેમજ કાયદો અને વ્યવસ્થા સાથે જાડાયેલા અનેક પડકારો છે અને તેમને પહોંચી વળવા ઝડપથી નિર્ણાયક કાર્યવાહી સાથે નિષ્ણાંતોના માર્ગદર્શન જરૂરી છે. તેમણે પોલીસના કામકાજ માટે જણાવ્યું કે, સામાન્ય જનતા સાથે સંવેદનશીલ માનવીય વ્યવહાર અને સંવાદ ચાલુ રાખી પોતાની ફરજ પૂરી કરવી એ સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ માટે પાયાની જરૂરિયાત છે.