સંરક્ષણ મંત્રી સુશ્રી નિર્મલા સીતારમણ ફ્રાન્સની ત્રણ દિવસની મુલકાતે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી સુશ્રી નિર્મલા સીતારમણ આજે ફ્રાન્સની ત્રણ દિવસની મુલકાતે જઈ રહ્યા છે. તેઓ સંરક્ષણ કરારને આખરી ઓપ આપે તેવી સંભાવના છે. સુશ્રી સીતારમણ ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરન્સ પાર્લી સાથે બેઠક યોજશે અને સંરક્ષણ, પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત સંયુક્ત લશ્કરી કવાયત માટે પણ વિચારણા કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોને ગયા માર્ચમાં કરેલી મુલાકાત સમયે કરાયેલા વ્યૂહાત્મક કરાર અને ત્રાસવાદનો સામનો કરવાની બાબતોને પણ આગળ વધારવા વિચારણા કરશે. આ ઉપરાંત નૌકા કવાયત અને યુદ્ધ જહાજાના સંયુક્ત ઉપયોગની બાબત પણ વિચારણા હેઠળ છે.