દીપ અને ઉમંગનો તહેવાર દિવાળી ધાર્મિક પરંપરા અને હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાઇ રહ્યો છે. પ્રધાનમંત્રી ઉત્તરાખંડની હર્ષિલ ચોકી પર આઈટીબીપી ના જવાનો સાથે દીવાળી ઉજવી રહ્યા છે.

દીપમાળાના તહેવાર દિપાવલીની આજે દેશભરમાં પરંપરાગત શ્રધ્ધા અને ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે. અંધકાર પર ઉજાસ, અજ્ઞાન પર જ્ઞાન અને બુરાઈ પર ભલાઈના વિજયના પ્રતીક સમાન આ પર્વ ઘરો, મંદિરો અને અન્ય સાર્વજનિક સ્થળો પર દીવડા પ્રગટાવવામાં આવે છે. આ પ્રસંગે ધનની દેવી મા લક્ષ્મીની પુજા અર્ચના થાય છે.

તામિલનાડુ અને કર્ણાટકમાં ગઇકાલે દિવાળી ઉજવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડમાં દૂરની સરહદ ચોકી પર હર્ષિણ ખાતે ભારતીય સૈન્યના જવાનો અને આઈટીબીપીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી છે. આ પ્રસંગે જવાનોને શુભેચ્છા પાઠવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દૂર બરફ આરછાદીત ઉંચાઈવાળા વિસ્તારોમાં તેમની ફરજ બજાવવાનું સમર્પણ રાષ્ટ્રને તાકાત આપે છે, અને ભારતના સવાસો કરોડ લોકોનાં સપનાંને અને ભવિષ્યને સલામતી પૂરી પાડે છે.

તેમણે જણાવ્યું કે, દિવાળીએ પ્રકાશનો તહેવાર છે. જે સુખાકારી પ્રદાન કરે છે અને ભયનો નાશ કરે છે. તેમણે કહ્યું કે, જવાનો તેમની કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શિસ્ત થકી લોકોમાં સલામતી અને નિર્ભયતાની ભાવના ઊભી કરવામાં મદદ કરે છે. પ્રધાનમંત્રીએ સેનાના જવાનોને મિઠાઈ આપી હતી. નજીકના વિસ્તારોમાંથી તેમને મળવા આવેલા લોકો સાથે પણ તેમણે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના રુદ્રપ્રયાસ જિલ્લામાં કેદારનાથ ખાતે આજે સવારે દર્શન કર્યા. પ્રધાનમંત્રી મોદીએ દિપાવલીની શુભેચ્છા પાઠવવા બદલ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહૂનો આભાર માન્યો છે.

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અરૂણાચલ પ્રદેશમાં આંદ્રા લા ઓમકાર અને અનિનિમાં અગ્રીમ સીમા ચોકીઓ પર તૈનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. સુશ્રી સીતારમણ દિપાવલીની ભેટ સ્વરૂપે શાળાના બાળકોએ બનાવેલા વિવિધ ચિત્રો જવાનોને આપશે તેમજ શહીદોના પરિવારજનો સાથે પણ મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ દિપાવલી પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી કોવિંદે પોતાના સંદેશમાં દેશવાસીઓને પ્રદુષણમુકત અને સલામત રીતે દિપાવલી ઉજવવા અપીલ કરી છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દિવાળીએ સત્યનો અસત્ય પર વિજય દર્શાવે છે. અને ભગવાન રામના ઉત્કૃષ્ટ ગુણોમાં વિશ્વાસ કરવાનું સૂચવે છે. એક ટ્‌વીટર સંદેશામાં શ્રી મોદીએ દિવાળી સૌના જીવનમાં ખુશી, દીર્ઘઆયુષ્ય અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા પાઠવી છે.