મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે.

મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ૨૩૦ અને મિઝોરમની ૪૦ બેઠકોની ચૂંટણી ૨૮મી નવેમ્બરે યોજાશે તથા આગામી ૧૧મી ડિસેમ્બરે પરિણામો જાહેર થશે. નાયબ મુખ્ય ચૂંટણી કમિશનર સુદિપ જૈનના વડપણ હેઠળની ચૂંટણી પંચની એક સમિતિ આજે ઐઝવાલની મુલાકાત લેશે. આ સમિતિ મિઝોરમ સરકારના અધિકારીઓ અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. મિઝોરમમાં ચૂંટણી સરળતાથી અને મુક્ત અને ન્યાયી રીતે યોજવા માટે આ સમિતિ લાગતા વળગતાઓ સાથે ચર્ચા-વિચારણા કરશે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ૯૫૨ ઉમેદવારી પત્રો ભરાયા છે. ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ૨૨૯ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે અને એક બેઠક સાથી પક્ષ લોકતાંત્રિક જનતા દળને ફાળવી છે. કોંગ્રેસે વરિષ્ઠ નેતા અરૂણ યાદવને બુધની બેઠક પરથી ચૂંટણી લડતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સામે ઉભા રાખ્યા છે. દરમ્યાન ભાજપના વરિષ્ઠ નેતા સરતાજસિંહે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે અને કોંગ્રેસ તેમના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ અગાઉ સંજય શર્મા અને પદમા શુક્લ ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ્યા હતા, તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસમાંથી આવેલા મુલાયમસિંહ કૌરવ અને અજીત પ્રેમચંદ બોરસીને પોતાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. ભાજપના મહત્વના ઉમેદવારમાં કૃષ્ણ ગૌર ગોવિંદપુરા બેઠક પરથી અને આકાશ વિજય વર્ગીય ઈન્દોર એક બેઠક પરથી ચૂંટણી લડશે.