રાજસ્થાન અને તેલંગણા વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારનો ગઈકાલે સાંજે અંત આવ્યો છે. બંને રાજ્યોમાં આવતીકાલે મતદાન યોજાશે.

રાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારનો ગઈકાલે સાંજે અંત આવ્યો છે. બંને રાજ્યોમાં આવતીકાલે મતદાન યોજાશે. વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓએ બંને રાજ્યોમાં વિવિધ સ્થળે જાહેરસભાઓને સંબોધી હતી. ચૂંટણી પંચે મતદાન સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. તેલંગણામાં બે કરોડ ૮૦ લાખ મતદાતાઓ ૩૨ હજાર ૮૦૦થી વધુ મતદાન મથકો ઉપર રાજ્યની ૧૧૯ વિધાનસભા બેઠકો માટે મતદાન કરશે. રાજસ્થાનમાં બે હજાર ૨૭૪ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૧૮૯ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આવતીકાલે ૨૦૦ પૈકીની ૧૯૯ બેઠકો માટે મતદાન થશે. અલવર જિલ્લાની રામગઢ બેઠક ઉપર બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારનું મૃત્યુ થતાં ચૂંટણી રદ કરવામાં આવી છે. બંને રાજ્યોમાં મતગણતરી છત્તીસગઢ, મિઝોરમ અને મધ્યપ્રદેશની મતગણતરી સાથે આગામી મંગળવારે યોજાશે.