આજે રાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ સુરક્ષાના વાતાવરણ વચ્ચે મતદાન શરૂ થયું છે.

રાજસ્થાન અને તેલંગણા વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન શરૂ થયું છે. રાજસ્થાનમાં ૫૨ હજાર જેટલાં મતદાન મથકો ઉભા કરાયા છે, દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછું એક સર્વમહિલા મતદાન મથક રાખવામાં આવ્યું છે. લગભગ બે લાખથી વધારે ઈવીએમ અને વીવીપેટ મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠકો પૈકી ૧૯૯ બેઠકો માટે બે હજાર ૨૭૪ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૧૮૭ મહિલાઓનો સમાવેશ થાય છે. રાજસ્થાનના પોલીસ મહાનિદેશક ઓ.પી.ગેલહોત્રાએ જણાવ્યું છે કે, ચૂંટણીઓ મુક્ત, વાજબી અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પૂરતી સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા બેઠકોના ૩૨ હજાર ૮૧૫ મતદાન મથકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ૧૩૫ મહિલાઓ સહિત કુલ એક હજાર ૮૨૧ ઉમેદવારો મેદાનમાં છે. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કેન્દ્રીય સશ† દળોની ૨૭૯ કંપનીઓ રાજ્ય પોલીસના ૩૦ હજાર જવાનો અને ૧૮ હજાર ૮૦૦ પાડોશી રાજ્યોમાંથી સલામતી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. તેલંગણામાં નકસલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં મતદાન સાંજે ચાર વાગે પુરું થશે. આજે થનારા મતદાનની મતગણતરી છત્તીસગઢ, મીઝોરમ અને મધ્યપ્રદેશની સાથે આવતા મંગળવારે ૧૧મી ડિસેમ્બરે હાથ ધરાશે.