વૈશ્વિક નાગરિક ઉડ્ડયન શિખર પરિષદ ૨૦૧૯નો આજથી મુંબઇ પ્રારંભ થશે.

વૈશ્વિક નાગરિક ઉડ્ડયન શિખર પરીષદ ૨૦૧૯નો આજથી મુંબઇમાં પ્રારંભ થશે. કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ ગઇકાલે સાંજે મુંબઇમાં જણાવ્યું હતું કે, દુનિયાના ૮૬થી વધુ દેશોની ભાગીદારી સાથે સૌ પ્રથમવાર આ બે દિવસીય શિખર પરિષદ યોજાઇ રહી છે. પત્રકારોને સંબોધતા શ્રી પ્રભુએ જણાવ્યું હતું કે, ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલા દેશોમાં ભારત એક છે. આ શિખર પરિષદમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર તેમજ હવાઇ પરિવહન નીતિ માટેના આયોજન ૨૦૪૦નું પણ અનાવરણ કરવામાં આવશે. -બધા માટે હવાઇ સેવા વિશેષ કરીને નવા છ અબજ નાગરીકો માટેની સેવા – વિષય વસ્તુ સાથે આ વૈશ્વિક મુલ્કી ઉડ્ડયન શિખર પરિષદનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ફિક્કી સાથેના વેપાર ઉદ્યોગ સંગઠનોના સહયોગમાં આયોજન કરાયું છે.

શિખર પરિષદમાં આગામી દાયકાઓમાં ટેકનોલોજી આધારીત નવીનીકરણને સમજવા તેનો ઉપયોગ કરવા અને તે વિશે ચર્ચા કરવાની હિતધારકોને તક મળશે. કેન્દ્ર નાગરીક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંતસિંહા, ભારતીય વિમાન સત્તામંડળના અધ્યક્ષ ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રા, નાગરિક ઉડ્ડયન મહાનિદેશક બી.એસ. ભુલર તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ શિખર બેઠકને સંબોધન કરશે.