નાણામંત્રી અરૂણ જેટલીએ કહયું છે કે ભવિષ્યમાં સરકારની પ્રાથમિકતા આંતર માળખાકીય વિકાસની અને સેના માટે જરૂરી સાધન સામગ્રી મેળવવાની પડતર દરખાસ્તોના નિકાલની છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ કહયું છે કે ભવિષ્યમાં સરકારની પ્રાથમિકતા આંતર માળખાકીય વિકાસની અને અન્ય બાબતોની સાથે સેના માટે જરૂરી સાધન સામગ્રી મેળવવાની પડતર દરખાસ્તોના નિકાલની છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રસાર માધ્યમોના પુરસ્કાર વિતરણના એક કાર્યક્રમમાં બોલતાં શ્રી જેટલીએ કહયું હતું કે, ગ્રામીણ ભારતનો વિકાસ અને આરોગ્ય સેવાઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે સુધારા એ અન્ય પ્રાથમિકતાના ક્ષેત્રો છે. શહેરી ઝુંપડપટૃ વિસ્તારોમાં અને ગ્રામ વિસ્તારોમાં બહેતર જીંદગી માટેની હિમાયત કરતાં શ્રી જેટલીએ કહયું હતું કે, નીતીઓનો હેતુ ગરીબોને પ્રેરણા અને તેમનું જીવન ધોરણ ઉંચુ આવે તેવો હોવો જાઈએ. દેશમાં આરોગ્ય અને શિક્ષણ એ બે એવા ક્ષેત્રો છે જેના પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. આયુષ્માન ભારત કાર્યક્રમ વિશે બોલતાં નાણાં મંત્રીએ કહયું હતું કે, આ કેશલેસ વિમા યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૬ લાખ લોકોને લાભ મળી ચુકયો છે. આ યોજના હેઠળ દેશની ૭૮ ટકા જનતાને વિમા કવચ મળ્યું છે. શ્રી જેટલીએ કહયું હતું કે, સપ્ટેમ્બર ર૦૧૮માં શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના દસ કરોડ ગરીબ કુટુંબોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વિમા કવચ પુરૂ પાડવાનો લક્ષ્યાંક રખાયો છે.