લોકસભાની બીજા તબકકાની ગુરૂવાર ૧૮મી એપ્રિલે યોજાનારી ચુંટણીમાં જાહેર પ્રચાર ચરમ સીમાએ પહોચ્યો છે.

લોકસભાની બીજા તબકકાની ગુરૂવાર ૧૮મી એપ્રિલે યોજાનારી ચુંટણીમાં જાહેર પ્રચાર આવતીકાલે સાંજે પુરો થવાનો હોવાથી સંબંધીત વિસ્તારોમાં ચુંટણી પ્રચાર ચરમ સીમાએ પહોચ્યો છે. બીજા તબકકાની ચુંટણીમાં ૧૩ રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની ૯૭ બેઠકો માટે મતદાન થશે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહયાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જમ્મુના કથુઆ તથા ઉત્તર પ્રદેશમાં મોરાદાબાદ અને અલીગઢમાં રેલીઓ સંબોધી હતી. તેમણે કહયું કે એનડીએ સરકારે કોઈપણ ભેદભાવ વિના સમાજના બધા જ વર્ગોને લાભ થાય તેવી યોજનાઓ અમલમાં મુકી છે. તેમણે દોહરાવ્યું હતું કે આતંકવાદ, ભ્રષ્ટાચાર અને ગરીબીના દુષણો ડામવા તેમની સરકાર પ્રતિબધ્ધ છે.

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા વાડરાએ ગઈકાલે આસામના સિલ્ચરમાં રોડ શો યોજયો હતો. લોકસભાની ચુંટણીમાં તેમણે પ્રથમવાર ઉત્તર પ્રદેશની બહાર પ્રચાર કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આસામને ખાસ દરજજા આપ્યો હતો જે વર્તમાન સરકારે પાછો ખેંચી લીધો છે. બીએસપીના વડા માયાવતીએ છત્તીસગઢના જાંજગીર-ચંપા ખાતે જાહેરસભામાં સંબોધન કરતા કોંગ્રેસ અને ભાજપ સામે સીબીઆઈ અને એન્ફોર્સ વિભાગોનો વિરોધ પક્ષો સામે બનાવટી કેસ ધ્વારા દબાણ વધારવા દુરૂપયોગ કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.  લોકસભાની બીજા તબકકાની ચુંટણીમાં તમીલનાડુની લોકસભાની ૩૯ બેઠકો, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૦, ઉત્તર પ્રદેશની આઠ, આસામ, બિહાર અને ઓડીશાની દરેકની પાંચ-પાંચ, છત્તીસગઢ તથા બંગાળની ૩-૩, કાશ્મીરની બે તેમજ મણીપુર, ત્રિપુરા અને પુદુચેરીની એક-એક બેઠકો માટે મતદાન થશે. પ્રથમ તબકકાની ચુંટણીમાં ૬૯.૪૩ ટકા મતદાન થયું હતું.