લોકસભાની બીજા તબકકાની ચુંટણી માટે જાહેર પ્રચારનો અંત. આવતીકાલે ૧ર રાજયોમાં ૯પ બેઠકો માટે મતદાન થશે.

લોકસભાની બીજા તબકકાની આવતીકાલે યોજાનારી ચુંટણીનો જાહેર પ્રચાર ગઈ સાંજે પુરો થયો છે. ચુંટણીમાં ૧૨ રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની ૯પ બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે. બીજા તબકકાની ચુંટણીમાં તમીલનાડુની લોકસભાની ૩૯ બેઠકો, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૦, ઉત્તર પ્રદેશની આઠ, આસામ, બિહાર અને ઓડીશાની દરેકની પાંચ-પાંચ, છત્તીસગઢ તથા બંગાળની ૩-૩, કાશ્મીરની બે તેમજ મણીપુર, ત્રિપુરા અને પુડુચેરીની એક-એક બેઠકો માટે મતદાન થશે. તમિલનાડુની તમામ બેઠકોને ખર્ચ સંવેદનશીલ જાહેર કરાઇ છે. ચૂંટણીપંચ દ્વારા નાણાકીય હેરફેર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

દરમિયાન ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટેના પ્રચારે વેગ પકડ્યો છે. ૨૩મી એપ્રિલે ૧૨ રાજયો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૧૫ બેઠકો માટે મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે છત્તીસગઢના કોરબામાં જાહેરસભા સંબોધી હતી. ઓડિશાના સાંબલપુર ખાતે જાહેરસભામાં સંબોધન કરતાં રાજયમાં કોંગ્રેસ અને બીજેડીની સત્તા હોવાથી ઓડિશાના લોકો ગરીબી હેઠળ જ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, એનડીએ સરકારે ૨૦૨૨ સુધીમાં તમામને પાકા મકાનનું વચન આપ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે તેમના કેરળના બે દિવસના ચૂંટણીપ્રચારની શરૂઆત કરી છે. જેમાં તેમની બીજી બેઠક વાયનાડ સહિત કેટલાક વિસ્તારોને આવરી લેશે. પથાનપુરમ ખાતે સંબોધન કરતાં તેમણે ન્યાય યોજના  અંગેના નાણાં ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ અને લોકો પાસેથી આવશે તેમ જણાવ્યું હતું. શ્રી ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સુનિશ્ચિત કરશે કે જેમણે નાણાં ચોર્યા છે તે પરત કરે. શ્રી ગાંધીએ અલાપુઝા અને તિરૂવનંતપુરમ ખાતે જાહેર સભા સંબોધી હતી. દરમ્યાન, છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ૧૨મી મે ના રોજ ૭ રાજયોની ૫૯ બેઠકો માટે મતદાન થશે.