લોકસભાની ૯૫ બેઠકો માટે આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ચૂંટણીપ્રચાર વેગીલો બન્યો.

લોકસભાની બીજા તબકકાની આવતીકાલે યોજાનારી ચુંટણીનો જાહેર પ્રચાર ગઈ સાંજે પુરો થયો છે. ચુંટણીમાં ૧૨ રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની ૯પ બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે. બીજા તબકકાની ચુંટણીમાં તમીલનાડુની લોકસભાની ૩૯ બેઠકો, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૦, ઉત્તર પ્રદેશની આઠ, આસામ, બિહાર અને ઓડીશાની દરેકની પાંચ-પાંચ, છત્તીસગઢ તથા બંગાળની ૩-૩, કાશ્મીરની બે તેમજ મણીપુર, ત્રિપુરા અને પુડુચેરીની એક-એક બેઠકો માટે મતદાન થશે. તમિલનાડુની તમામ બેઠકોને ખર્ચ સંવેદનશીલ જાહેર કરાઇ છે. ચૂંટણીપંચ દ્વારા નાણાકીય હેરફેર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

ચૂંટણીપંચે સલામતિના કારણોસર ત્રિપુરા બેઠકની ચૂંટણી આવતીકાલના બદલે ૨૩ એપ્રિલે રાખી છે. તમિળનાડુની વેલ્લોર બેઠકની ચૂંટણી પણ નાણાકીય પ્રલોભનના કારણોસર રદ કરવામાં આવી છે. પંચે સૌપ્રથમવાર રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી, જે તેમણે સ્વીકારી લીધી છે. તમિળનાડુમાં ૮ હજાર ૨૯૩ મતદાનમથકોને સંવેદનશીલ જાહેર કરાયાં છે. ત્યાં વેલસ્ટ્રીમીંગ કે વીડીયોગ્રાફી કરાશે. તમિળનાડુનાં વિધાનસાની ૧૮ બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાઇ છે. કર્ણાટકમાં આવતીકાલે ે કરોડ ૬૭ લાખ મતદાતાઓ ૨૪૧ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પોલીસ મહાનિયામક નીલમણિ રાજૂએ જણાવ્યું કે, હાસ્સન, માંડ્યા, તુમકુરૂ અને બેંગલુરૂ ગ્રામીણમાં વધારાની પોલીસ કુમક ગોઠવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ૧૦ બેઠકો માટે ૧૭૯ ઉમેદવારોએ ઝૂકાવ્યું છે. આજે સાંજે તમામ કર્મચારીઓ મતદાનમથકો પર ગોઠવાઇ જશે. આ તબક્કામાં લીડ બેઠક પરથી પ્રિતમ મુંડે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અશોક ચવાણ નાંદેડ બેઠક પરથી, સોલાપુર બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શીંદે અને અમરાવતી બેઠક પરથી મહાગઠબંધનના ઉમેદવાર નવનીત રાણા ચૂંટણી લડી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં આ તબક્કામાં આઠ બેઠકો માટે તો બિહારમાં પાંચ બેઠકો માટે ચૂંટણી આવતીકાલે છે. છત્તીસગઢની ત્રણ અને આસામની પાંચ બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. ૫૦ ઉમેદવારોનું ભાવિ ૬૮ લાખ મતદાતાઓ નક્કી કરશે. પુડ્ડુચેરીમાં એક બેઠક માટે ૧૮ ઉમેદવારો છે.

દરમિયાન ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટેના પ્રચારે વેગ પકડ્યો છે. ૨૩મી એપ્રિલે ૧૨ રાજયો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૧૫ બેઠકો માટે મતદાન થશે.

પ્રધાનમંત્રી અને વરિષ્ઠ ભાજપનેતાશ્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતમાં બે દિવસના ચૂંટણી પ્રવાસે છે. તેઓ હીંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં આજે જાહેરસભા સંબોધશે, અને આવતીકાલે અમરેલીમાં જાહેરસભા સંબોધશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતમાં ભૂજ, વંથળીમાં અને શુક્રવારે બારડોલીમાં જાહેરસભા સંબોધશે.