શ્રીલંકામા થયેલા શ્રેણીબધ્ધ વિસ્ફોટોના કારણે શાંતિના થયેલા ભંગ અંગે સમીક્ષા

કુદરતી સાંદર્ય માટે જાણીતા શ્રીલંકામાં ઇસ્ટરની ઉજવણી વિવિદ દેવળોમાં ખુબ જ હર્ષ ઉલ્લાસ સાથે અને શાંતિમય વાતાવરણમાં શરૂ થઇ હતી.

જા કે, સવાર પૂરી થાય તે પહેલા જ શ્રીલંકા શ્રેણીબધ્ધ બોંબ ધડકાઓથી ધણધણી ઉઠ્યું હતું સૌપ્રથમ પાટનગર કોલંબોમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ કોલંબોથી ૨૫૦ કિલોમીટરે આવેલા બાટ્ટીકાલોઆ ખાતે બીજા વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ ચર્ચ તેમજ ત્રણ લકઝરી હોટેલોને નિશાન બનાવીને શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓ થયા હતા.

શ્રીલંકામાં રહેતા કેથોલીક સંપ્રદાયના કુલ લોકોપૈકી આશરે છ ટકા જેટલા લોકો ચર્ચમાં ઇસ્ટરપર્વ પ્રસંગે પ્રાર્થનાઓ કરી રહ્યા હતા, ત્યારે મોટો ધડાકો ચર્ચ ખાતે થયો હતો. માત્ર છ કલાકના સમયગાળામાં ૮ બોંબ ધડાકાઓ થયા હતા, જેમાં ૨૯૦ થી વધુ લોકોના મોત થયા હતા અને ૫૦૦ જેટલા લોકોને ઇજાઓ થઇ હતી.

શ્રીલંકામાં અત્યારસુધીમાં થયેલો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. આ દુર્ઘટનામાં ત્રણ ભારતીયો ઉપરાંત યુરોપ અને અમેરીકાના નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. ઘણા લોકોના મનમાં, શ્રીલંકાના આ હુમલાથી વર્ષ ૨૦૦૮ માં મુંબઇ ઉપર થયેલા આતંકવાદી હુમલાની યાદ તાજી કરાવી હતી. સૌથી અગત્યની બાબત એ છે કે, આયોજન મુજબ અને ચોક્કસ સમયે જ સંકલન સાધીને આ હુમલાઓ એટલે કે વિસ્ફોટો કરવામાં આવ્યા છે.

આ બાબત પુરવાર કરે છે કે આ વિસ્ફોટો પાછળ વિદેશી આતંકવાદી સંગઠનનો દોરી સંચાર હોઇ શકે છે.

આ હુમલાની જવાબદારી હજી સુધી કોઇ આતંકવાદી જુથે લીધી નથી. જા કે, શ્રીલંકાના પોલીસના સુત્રોએ વાતનો સ્વીકાર કર્યો છે કે કેટલાક જેહાદી અને ઉદ્દામવાદી જૂથો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હોવાની બાતમી ગુપ્તચર વિભાગે આપી હતી.

પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસીંધેએ સંકેત આપ્યો છે કે આ હુમલા માટો કોણ જવાબાદર છે તેનો થોડોક ખ્યાલ તેમને છે પણ તેમણે આ તબક્કે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. સલામતી દળોએ, કોલંબો નજીક એક ઘર ઉપર દરોડાની કાર્યવાહી કરતા, અહીં થયેલા સામ – સામા ગોળીબારમાં શ્રીલંકાના સલામતી દળના ત્રણ જવાનો મૃત્યુ પામ્યા હતા. સમગ્ર દિવસભરની સઘન કાર્યવાહી બાદ બોંબ ધડાકામાં સંડોવાયેલા મનાતા ૮ શકમંદોની ધરપકડ કરાઇ હતી.

ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલામાં એક હુમલો આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો. વિશ્વભરના દેશોના આગેવાનોએ શ્રીલંકામાં થયેલા આ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે.

ભારતે પણ આ હુમલાને કડક શબ્દોમાં વખોડીને શ્રીલંકા પ્રત્યે સહાનૂભૂતિ વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ સિરીસેના તથા પ્રધાનમંત્રી વિક્રમસીંઘે સાથે ફોન ઉપર વાત કરીને આ હુમલાને ક્રુરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું.

ભારતે, શ્રીલંકાને તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલા પાછળનો હેતુ હુમલાખોરો ખુબ જ સહજ સરળ લક્ષ્ય ઉપર ત્રાટકીને સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને આસપાસના દેશોને સંદેશો આપવા માગતા હોય તેવું શક્ય છે. એવી જ રીતે શ્રીલંકાના પૂર્વથી પશ્ચિમ કિનારા સુધીના વિસ્તારના પ્રદેશોને આવરી લઇ કરાયેલા વિસ્ફોટોનો હેતુ આતંકવાદી સંગઠનની વ્યાપક પહોંચનો પરિચય આપવાનો હોય, તેવું બની શકે છે.

શ્રીલંકાનું અર્થતંત્ર પ્રવાસન ઉપર આધાર રાખે છે, તેથી જ હુમલાખોરોએ વૈભવી હોટેલોને લક્ષ્ય બનાવીને વિસ્ફોટો કર્યા છે. તો ઇસ્ટર પર્વ પ્રસંગે ચર્ચ ઉપર હુમલો કરીને ધાર્મિક લાગણી ભડકાવવાનો પ્રયાસ થયો છે, તેમ ગણાવી શકાય. ઉલ્લેખનીય છે કે રવિવારે ઇસ્ટર પર્વ પ્રસંગે થયેલા આ હુમલાથી ત્રણ વર્ષ પહેલા લાહોરમાં થયેલા ઇસ્ટર પર્વ પ્રસંગના હુમલાની યાદ તાજી થઇ હતી, જેમાં ૭૫ લોકોના મોત થયા હતા.

શ્રીલંકામાં થયેલા આ બનાવોથી એક બાબત સ્પષ્ટ થાય છે, દક્ષિણ એશિયાનો કોઇપણ દેશ આતંકવાદથી સલામત નથી. આતંકવાદનો સાથે મળીને સામનો કરવો એ એક માત્ર વિકલ્પ બધા જ દેશો પાસે બચ્યો છે. આમ, દક્ષિણ એશિયાનો એકપણ દેશ શ્રીલંકાની ઘટનાના પગલે મળેલા સ્પષ્ટ સંદેશાને અવગણી શકશે નહિ.

લેખક ઃ એમ.કે. ટિક્કુ, રાજકીય સમીક્ષક