લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનો પ્રચાર આખરી તબક્કામાં છે.

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનો પ્રચાર આખરી તબક્કામાં છે. નવ રાજ્યોના ૭૧ મતવિસ્તારોમાં આ સોમવાર ૨૯ એપ્રિલે મતદાન યોજાશે. સ્ટાર પ્રચારકો દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બિહારમાં દરભંગા અને ઉત્તરપ્રદેશના બાંદામાં જાહેરપ્રચાર કરી રહ્યા છે. આજે બપોર બાદ વારાણસીમાં રોડ શો પણ યોજશે. ભાજપ પ્રમુખ અમીત શાહ આજે ઉત્તરપ્રદેશના ગાઝીપુર અને ઉન્નાઓમાં જાહેરસભા યોજવાના છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આજે રાજસ્થાનના જાલોર, અજમેર અને કોટામાં ચૂંટણી રેલી યોજશે.

અશોક ગેહલોત, સચિન પાઈલોટ, અવિનાશ પાંડે અને આનંદકુમાર સહિતના ઘણા વરિષ્ઠ નેતાઓ પક્ષના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે.

ભાજપના પ્રમુખ શ્રી અમિત શાહ આવતીકાલે જાલોર ખાતે જાહેરસભાને સંબોધન કરશે અને જાધપુરમાં  રોડ શોમાં ભાગ લેશે. ચૂંટણી રેલીને ભાજપના નેતા પ્રકાશ જાવડેકર, વસુંધરા રાજે, અવિનાશ રાય ખન્ના, સુધાશું ત્રિવેદી પણ પક્ષ માટે પ્રચાર કરી રહ્યા છે.

કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ઉત્તરપ્રદેશના જાલૌનમાં સભા કરવાના છે. બહુજન સમાજ પાર્ટીના સુશ્રી માયાવતી શાહજહાંપુર અને કન્નોજમાં જાહેરસભા કરશે. ૨૯ એપ્રિલે મહારાષ્ટ્રની ૧૭, ઉત્તરપ્રદેશની ૧૩, રાજસ્થાનની ૧૩, પશ્ચિમ બંગાળની આઠ, ઓડીશાની ૬, મધ્યપ્રદેશની ૬, બિહારની ૫ાંચ, ઝારખંડની ત્રણ બેઠકો ઉપરાંત ઓડીશા વિધાનસભાની ૧૪૭ પૈકી ૪૨ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરમિયાન આજે ઓડીશાના આઠ વિધાનસભા મતવિસ્તારમાં નવ મતદાન મથકો પર .  સોરડા, બોનાઈ, સુંદરગઢ, દસપાલા, અટાબિરા, બારાગઢ, પદમપુર અને બ્રજરાજનગર  પુનઃ મતદાન યોજાયું છે નાગાલેન્ડની તયુઈ બેઠકના એક મતદાન મથક પર પણ પુનઃ મતદાન થયું હતું. આગ્રાના એક મતદાન મથક પર પણ પુનઃ મતદાન કરાયું હતું. ટેકનીકલ ભૂલોના કારણે આ પુનઃ મતદાન કરવાના આદેશ ચૂંટણી પંચે આપ્યા હતા. મહારાષ્ટ્રમાં મુંબઈના લોકો મોટી સંખ્યામાં મત આપવા આવે તે માટે રાજ્ય ચૂંટણીપંચે વિવિધ યોજના બનાવી છે.