કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. 

ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી.

પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે.

કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ્યું નથી. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન સહિતના ઘણા દેશોએ તેને મહત્વ આપ્યું નથી. એટલું જ નહીં પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કાશ્મીર મુદ્દે ભારતે કરેલી કાર્યવાહી તેની આંતરિક બાબત છે અને પરિણામે કોઈ અન્ય દેશ તેમાં દખલ કરે તે યોગ્ય નથી. ચીન પણ પાકિસ્તાનનું મહત્વનું સહયોગી છે, પરંતુ તે પણ તેનું ખુલ્લેઆમ સમર્થન કરતું નથી. ગયા શુક્રવારે ઈમરાન ખાને દેશભરમાં એક કલાક માટે જાહેરમાં દેખાવો માટે જણાવ્યું હતું, પરંતુ તેમાં કોઈ મહત્વનો પ્રતિભાવ જાવા મળ્યો ન હતો.

ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે રાષ્ટ્રસંઘમાં લઈ જવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ પણ રજુઆત કરાશે તેમ કહ્યું છે. જાકે તે ભુલી જાય છે કે, રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિના પાંચ કાયમી સભ્યો પૈકી ચાર ભારતના નિર્ણયનું સમર્થન કરી ચૂક્યા છે અને કાશ્મીર મુદ્દે દ્વિપક્ષી રીતે ઉકેલવામાં આવે તેવું જણાવી ચુક્યા છે.

ભારત સાથે વાતચીત મુદ્દે પણ નેતાગીરીમાં વિભાજન જાવા મળી રહ્યું છે. આ તેની હતાશા દેખાય છે. ઈમરાન ખાન કહે છે કે, ભારત સાથે મંત્રણાઓ કરવાનો કોઈ હેતુ નથી. તેમના વિદેશમંત્રી મહમૂદ કુરેશી કંઈક અલગ વાત કરે છે, તે કહે છે કે, પાકિસ્તાન ભારત સાથે વાતચીત માટે આતુર છે. જાકે તેના કારણે ઈમરાન ખાનને જાહેરમાં સ્પષ્ટતા કરવી પડી છે અને હાલ કોઈ મંત્રણા અંગે વિચારણા નહીં હોવાનું જણાવ્યું છે. 

ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓને અપાતો સહયોગ બંધ થાય પછી જ મંત્રણાઓ કરી શકાય.

વિદેશમંત્રી એસ.જયશંકરે એ બાબતે પુનરૂચ્ચાર કર્યો છે કે, ભારત પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ જમ્મુ-કાશ્મીર સિવાયના મુદ્દાઓ પર ચર્ચા થશે અને તે માટે પાકિસ્તાને ત્રાસવાદ અને હિંસા મુક્ત વાતાવરણ સર્જવું જાઈએ.

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીયસ્તરે સહયોગ માટે પ્રયત્નો કરી રહ્યું છે. સાઉદી અરેબિયા અને કુવૈતના સંપર્કમાં છે અને કાશ્મીરમાં માનવઅધિકાર ભંગનો મુદ્દો ઉઠાવે છે પણ તેમના આશ્ચર્ય વચ્ચે કેટલાક દેશોએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું છે.

સંયુક્ત આરબ અમીરાતે ઓર્ડર ઓફ ઝાયેદ પુરસ્કાર એનાયત કર્યો છે. આ ત્યારે બન્યું છે જ્યારે પાકિસ્તાનનો રાજદૂત ત્યાં મુલાકાત લઈ આવ્યો હતો તે દ્વારા સ્પષ્ટ ઈશારો કર્યો છે કે, પાકિસ્તાનના ઈશારે કોઈ દેશ ભારત સાથેના સંબંધો નહીં બગાડે. ખનીજ તેલ નિકાસ કરતા કોઈપણ દેશો પાકિસ્તાનને કોઈ ટેકો આપ્યો નથી અને તમામ કાશ્મીર મુદ્દે મૌન રહ્યા છે.

કાશ્મીરમાં હિંસા કે માનવ અધિકારની વાત કરતા પાકિસ્તાને બલોચિસ્તાન તરફ કે ખૈબર પખ્તુનખ્વા અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીર તરફ નજર કરવાની જરૂર છે તો વાસ્તવિકતા સમજાઈ જશે.