શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા

શ્રીલંકાની આબોહવાની જેમ શ્રીલંકાનું રાજકીય વાતાવરણ પણ મનસ્વી છે તેમ કહી શકાય.
શ્રીલંકામાં આગામી 16મી નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ છે.
સમગ્ર શ્રીલંકામાં ચૂંટણી પ્રચાર સાવ શુષ્ક નહીં પણ હજી પૂરો વેગવંતો બન્યો નથી.
દેશના બંધારણની દ્રષ્ટિએ જોતા સર્વોચ્ચ પદ માટેની આ ચૂંટણીની દ્રષ્ટિએ આ પરિસ્થિતિને અસાધારણ ગણાવી શકાય.
આ ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ નહીં હોવાનું એક કારણ એવું છે કે, ઈસ્ટર સન્ડે પ્રસંગે આતંકવાદીઓએ કરેલા હુમલાના આઘાતમાંથી લોકો હજી બહાર આવ્યા નથી.
એવીજ રીતે શ્રીલંકાના મોટાભાગના લોકો એવું માને છે કે, દેશના મુખ્ય બે રાજકીય પક્ષો પાસે લોકોને આપવા માટે નવું કશું નથી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દા રાજપક્ષેના નાના ભાઈ અને ભુતપૂર્વ સલામતી સચિવ ગોટાબાયા રાજપક્ષેએ ઝડપથી નિર્ણય લઈ ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો.
આ વર્ષના આરંભે જ ગોટાબાયાએ પોતાનું અમેરિકાનું નાગરીકત્વ જતું કરીને શ્રીલંકાનું નાગરીકત્વ અપનાવવાનો નિર્ણય લીધો હતો.
આમ કરવાથી તેઓ ચૂંટણી લડવા પાત્ર ઠરશે.
આમ તેમણે શ્રીલંકાનું નાગરીકત્વ મેળવી લીધું છે, પણ દેશના કાયદા મુજબ નાગરીકત્વ આપવાની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન નહીં થયું હોવાની આશંકાઓ વ્યક્ત થાય છે.
હજી બીજા કેટલાક મુદ્દાઓ ઉકેલાવાના બાકી છે. આ પૈકી કેટલીક બાબતો તો અદાલતમાં પેન્ડીંગ છે.
ઉલ્લેખનિય છે કે, ગોટાબાયા રાજપક્ષેએ LTTE સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
નિષ્ણાંતોનું માનવું છે કે, તેઓ પોતાના મોટાભાઈની નીતિઓનું અનુકરણ કરે તેવી સંભાવના છે.
શ્રી ગોટાબાયાએ જણાવ્યું છે કે, તેઓ તટસ્થ વલણ અપનાવીને દેશના વિકાસ માટે કામ કરશે.
તેમને દક્ષિણ શ્રીલંકાના સિંહલી લોકોનું સમર્થન મળે તેવી શક્યતા વધુ છે.
તો બીજી તરફ જમણેરી તથા મધ્યમ વિચારધારા ધરાવતા યુનાઈટેડ નેશનલ પાર્ટી પ્રધાનમંત્રી રાનીલ વિક્રસિંઘેને પોતાનો ઉમેદવાર પસંદ કરે તેવી શક્યતા છે.
તેઓ પાંચ વખત પ્રધાનમંત્રી રહી ચૂક્યા હોવાથી રાજકારણનો તેમની પાસે બહોળો અનુભવ છે.
જોકે તેમના પક્ષના સહિત ઘણાં નાગરિકો વિક્રમસિંઘે રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર બને તેવું ઈચ્છતા નથી.
તેના બદલે તેઓ વધુ યુવાન ઉમેદવારનું સમર્થન કરી શકે છે.
વર્તમાન સીરીસેના સરકારમાં મંત્રી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રણસિંઘે પ્રેમદાસાના પુત્ર સાજીથ પ્રેમદાસા – આ જરૂરીયાત પરિપૂર્ણ કરી શકે છે.
પણ વિક્રમસિંઘેની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવાનું અશક્ય જણાય છે.
શ્રી સાજીથ પ્રેમદાસા તેમની ઉમેદવારીની જાહેરાત ટૂંક સમયમાં કરે તેવી ધારણા છે.
આમ જો થાય તો જ બે વિશ્વસનીય અને મોટા ઉમેદવારો નોંધાતા ચૂંટણી પ્રક્રિયા વેગવાન બને તેવી સંભાવના છે.
શ્રી વિક્રમસિંઘે કોલંબોના સત્તાધારી પક્ષના વર્ગમાં ઊંચુ સ્થાન ધરાવે છે, તો સાજીથ પ્રેમદાસાનો પ્રભાવ દક્ષિણ શ્રીલંકાના સિંહલી લોકો ઉપર વધારે છે.
તેમના પિતા રણસીંઘે પ્રેમદાસા પોતાના કાર્યકાળ વખતે સિંહલી લોકોના પ્રખર સમર્થક હોવાથી આ છબીનો લાભ સાજીથને મળે તેવી શક્યતા છે.
આમ સમગ્ર રીતે જોતા આ વખતની પ્રમુખપદની ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે.
આવતા વર્ષે શ્રીલંકામાં સંસદીય ચૂંટણી યોજાવાની છે.
આથી જ આગામી નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીનો પ્રભાવ આવતા વર્ષે યોજાનારી સંસદીય ચૂંટણી ઉપર ચોક્કસ પડશે.
ત્યારપછી પ્રોવીન્સના કાઉન્સીલની ચૂંટણી પણ યોજાવાની છે.
આ બધી જ બાબતો ધ્યાનમાં લેતા હાલ શાંત જણાતો ચૂંટણી પ્રચાર આગામી સપ્તાહમાં ચોક્કસ વેગવંતો બનવાનો છે.
ભારત પોતાના પાડોશી દેશ શ્રીલંકામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાયતેની તરફેણ કરે છે.
લોકશાહી પદ્ધતિ ધરાવતું અને વિવિધતાને અપનાવતું શ્રીલંકા સમગ્ર દક્ષિણ એશિયામાં શાંતિ અને પ્રગતી માટે મદદરૂપ બની શકે છે.
 લેખક:- એમ.કે.ટિક્કૂ, રાજકીય સમીક્ષક