પાકિસ્તાનના તિરસ્કારયુક્ત વલણને કોઈનું સમર્થન મળ્યું નહીં એ અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને, સંયુક્ત રાષ્ટ્રસંઘની ન્યૂયોર્કમાં યોજાયેલી મહાસભામાં કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ કરવાના કરેલા પ્રયાસને સંપૂર્ણ નિષ્ફળતા મળી હતી.

તેમણે ભારતના કાશ્મીર રાજ્યમાં મુસ્લિમ નાગરિકોની કહેવાતી સ્થિતિનું વર્ણન કરીને બીજા દેશોનો ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, મહાસભામાં ઉપસ્થિત સભ્યો પૈકી કોઈએ, આ સંબોધન તરફ ધ્યાન આપ્યું નથી. ઇમરાન ખાને તો એક ડગલું આગળ વધીને પરમાણુ યુદ્ધ કરવાની પણ ચીમકી આપી હતી.

પાકિસ્તાની અગ્રણીને અમેરિકાના વહિવટીતંત્રનો પણ કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

અમેરિકાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની ટિકા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતના કાશ્મીરના મુસ્લિમોના કહેવાતા દુઃખો અંગેબોલે છે, તો ચીનના ઉયધુર-મુસ્લિમના મુદ્દાઓ અંગે શા માટે ચૂપકીદી સેવે છે?

અમેરિકાની દક્ષિણ અને મધ્ય એશિયા બાબતોની સહાયક રાજ્યમંત્રી એલીસ વેલ્સે બંને પાડોશી દેશો વચ્ચેની ઉગ્રતા ઘટાડવાની સલાહ આપી છે.

તેમણે કહ્યં કે, ચીને આશરે દસ લાખ ઉયઘુર મુસ્લિમોને બંધી બનાવ્યા છે. તો આ મુદ્દે પાકિસ્તાને ચીનને પણ પ્રશ્નો પૂછવા જોઈએ.

શ્રી ઇમરાન ખાને તો પાકિસ્તાન અને ચીન ખાસ સંબંધો ધરાવે છે, એમ જણાવીને ચીનના મુસ્લિમો અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

ભારતે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીના સંબોધનનો પરિપકવતાથી અને વાસ્તવિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને પ્રતિભાવ આપ્યો.

ભારતે, પાકિસ્તાનના વડા દ્વારા પરમાણુ યુદ્ધની અપાયેલી ચીમકીને વખોડતા જણાવ્યું હતું કે, આ રાજદ્વારી નિવેદન કહી શકાય નહીં.

શ્રી ઇમરાનખાનના સંબોધનથી સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશો વિભાજીત થશે. તેમના સંબોધનથી મતભેદો અને તિરસ્કારની ભાવના સુદ્રઢ થશે.

ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના સચિવ સુશ્રી વિદીશા મૈત્રાએ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતો હોવાનો આક્ષેપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, શું પાકિસ્તાન એ બાબતનો ઇન્કાર કરી શકે છે, કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આતંકવાદી તરીકે જાહેર થયેલા 130 વ્યક્તિઓ અને 25 આતંકવાદી સંસ્થાઓ પાકિસ્તાનમાં નથી ?

શું પાકિસ્તાન એ બાબતનો ઇન્કાર કરી શકે છે કે, નાણાંકીય કાર્યવાહી કાર્યદળ F.A.T.F.એ 27 પૈકી 20 માપદંડોના ભંગ બદલ પાકિસ્તાનને નોટિસ પાઠવી નથી.

આતંકવાદને પ્રોત્સાહન આપનાર તથા ઉશ્કેરણીજનક ભાષણ વડે પાકિસ્તાન માનવ અધિકારનો રક્ષણ હોવાનો ડોળ કરે છે, તે બાબત કેટલી યોગ્ય ગણાવી શકાય ?

ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના 193 સભ્યોનું એ વાત તરફ ધ્યાન દોર્યું હતું કે, વર્ષ 1947માં પાકિસ્તાનમાં લઘુમતીઓનું પ્રમાણ કુલ લોકવસ્તીના 23 ટકા જેટલું હતું, જે હવે ઘટીને ત્રણ ટકા થયું છે.

પાકિસ્તાનમાં વસતા ખ્રીસ્તી, શીખ, એહમદીયા, હિન્દુ, શીયા, સીંધી તથા બલોચ સમુદાયના લોકોને ઇશનીંદાનો કઠોર કાયદો, બળજબરીથી ધર્માંતરણ અને અત્યાચાર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ભારતે પાકિસ્તાન દ્વારા માનવ અધિકારના રક્ષણના ઉપદેશક તરીકે અપનાવેલી ભૂમિકા વિશ્વ આલમ તરફથી પ્રશંસા મેળવવાનો પ્રયાસ તરીકે ઓળખાવીને, વિશ્વ આલમને વર્ષ 1971માં પાકિસ્તાનને પોતાના જ લોકો ઉપર કરેલી સામૂહિક અત્યાચાર ગંભીર બાબતને નહીં અવગણવાનો અનુરોધ કર્યો.

કાશ્મીર માટે હંગામી ધોરણની કલમ 370 રદ કરવાના ભારતના આંતરિક બાબતોનો પાકિસ્તાને જે રીતે વિરોધ કર્યો છે, તે અંગે ટિપ્પણી કરતા ભારતે જણાવ્યું હતું કે, સંઘર્ષના આધારે જીવન જીવતા લોકો શાંતિના કિરણને આવકારી શકતા નથી.

ભારતે એમ પણ જણાવ્યું હતું કે, ભારત કાશ્મીરમાં શાંતિ સહ પ્રગતિના પંથે આગળ વધવા માગે છે.

જમ્મુ, કાશ્મીર તથા લદ્દાખને ભારતીય લોકશાહીના વિવિધતા, સહિષ્ણુતા અને વરસો જૂની સાંસ્કૃતિક વારસા સાથે જોડવાના અને પાછા ન ફરી શકાય તેવા પ્રયાસો શરૂ થયા છે.

સ્વતંત્ર ભારતમાં વસતા લોકોને બીજા દેશના લોકો તેમના વતી બોલે તેની જરૂર નથી.

ખાસ કરીને આતંકવાદને પ્રોત્સાહન આપનાર તથા તિરસ્કારની વિચારસરણી ધરાવતા લોકોના સમર્થનની તેમને ક્યારેય જરૂર નથી.

પાકિસ્તાનમાં વિપક્ષે પણ ઇમરાનખાનને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આપેલા ભાષણની કડક ટીકા કરતા કહ્યું છે કે, તેઓ કાશ્મીર મુદ્દે બીજા દેશનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

લેખકઃ કૌશીક રોય, આકાશવાણીના વિશ્લેષક