ઈમરાન ખાન કપરા સંજોગોનો સામનો કરી રહ્યા અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમની તાજેતરની અમેરિકાની મુલાકાત વખતે પ્રસાર માધ્યમો સાથેના તેમના કાશ્મીર અંગેના સંવાદ બાબતે વિશ્વસમુદાયે આપેલા પ્રતિભાવ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

આ માટે બે વાસ્તવિક પરિસ્થિતિ જવાબદાર ગણાવી શકાય. એક તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકામાં યોજાયેલા “હાઉડી મોદી” કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિના કારણે અમેરિકાના પ્રસાર માધ્યમોમાં હાઉડી કાર્યક્રમ અને મોદી છવાયેલા રહ્યા છે.

બીજુ તુર્કી અને મલેશિયાએ આપેલા નબળા પ્રતિભાવને બાદ કરતા બીજા કોઈ મુસ્લીમ રાષ્ટ્રે ઈમરાન ખાનના સંબોધન અને અપીલને સકારાત્મક પ્રતિભાવ આપ્યો નથી. 

ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના સંબોધનનો પ્રતિભાવ આપવા માટે ભારતના યુવાસચિવને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં તક આપતાં પાકિસ્તાનનો કેસ વધુ નબળો બન્યો.

પાકિસ્તાનમાં પણ શરૂઆતના સામાન્ય પ્રતિભાવ બાદ ઈમરાન ખાનના UN ખાતેના સંબોધન તથા કાશ્મીર મુદ્દે ભારત સાથેની તેની વ્યૂહરચના બાબતે પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત થઈ છે.

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે, તેમ આંતરિક બાબતો તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની વ્યુહરચના અને સફળતા બાબતે કરાતી ટીકા વધુ ઉગ્ર બની રહી છે. સૌથી ઉગ્ર ટીકામાં એવો મત વ્યક્ત થયો છે કે, માત્ર સંબોધનોથી સફળતા નહી મળે પણ કાશ્મીર મુદ્દે સર્વગ્રાહી વલણ તથા લાંબા ગાળાની નીતિ અપનાવવાની તાતી જરૂર છે.

પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના અધ્યક્ષ બીલાવલ ભુટ્ટો ઝરદારીએ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ટીકા કરતા જણાવ્યું છે કે, માત્ર કેટલાક પત્રકારો જ ઈમરાન ખાનના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના સંબોધનની પ્રશંસા કરી રહ્યા છે.

વાસ્તવમાં કાશ્મીરી લોકોના દુઃખો તથા તેમની સમસ્યાઓને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સફળતાપૂર્વક રજુ કરવામાં ઈમરાન ખાન ઉણા ઉતર્યા. એવી જ રીતે ઈમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત અને તેની સફળતા અંગે શંકા વ્યક્ત કરાઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં કાશ્મીરમાં માનવ અધિકાર ભંગના કિસ્સાઓ તરફ ધ્યાન ખેંચવામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીને નિષ્ફળતા હોવા અંગે પણ ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના અખબારો તથા વિજાણુ માધ્યમોમાં કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઠરાવ પસાર કરાવવામાં મળેલી નિષ્ફળતાને ઈમરાન ખાન સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણવામાં આવે છે.

ઈમરાન ખાને અમેરિકા સહિત વિશ્વ સમુદાયની સહાનુભૂતિ મેળવવા કાશ્મીરમાં માનવ અધિકાર ભંગનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સામે પક્ષે અમેરિકાએ પાકિસ્તાનને ઠપકો આપીને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન નહીં આપવાનો નિર્દેશ પાકિસ્તાનને આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના UN ખાતેના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ ટાળીને માત્ર આતંકવાદ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું, તેના લીધે શ્રી ઈમરાન ખાનનું સંબોધન અપ્રસ્તુત બન્યું.

કારણ કે વિશ્લેષકોનું સ્પષ્ટ માનવું છે કે, મજબૂત પહેલ અને રજુઆત હોય તો પરિણામો પણ સારા જ આવે છે. માત્ર સારા સંબંધોથી કશું જ મેળવી શકાતું નથી.

પાકિસ્તાનમાં એ વાત સ્વીકારવા લાગી છે કે, કાશ્મીર મુદ્દે વિશ્વસમુદાય ભારતની સાથે છે. 

ઈસ્લામીક દેશોનું સંગઠન – OIC તથા પાકિસ્તાનમાં ખાસ સાથી દેશો સાઉદી અરેબીયા તથા સંયુક્ત આરબ અમીરાત પણ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે સમર્થન આપવા ખચકાતા હતા.

પાકિસ્તાનની આંતરિક બાબતો પણ જોતા પાકિસ્તાનના બધા જ વિપક્ષો – પાકિસ્તાન સરકારને કાશ્મીર તથા આર્થિક બાબતો સાથે કામ પાર પાડવામાં મળેલી નીષ્ફળતાને લોકોની વચ્ચે લઈ જવા સાથે મળીને કામ કરવા તૈયાર થયા છે, તે બાબત ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો કરનારી છે.

જમીયત – ઉલેમા – ઈ – ઈસ્લામ પક્ષના મૌલાના ફઝલ-ઉર-રહેમાન પાકિસ્તાન સરકારની નીષ્ફળતા બાબતે લોકજાગૃતિ કેળવવા ચાલુ માસના અંતે આઝાદી કૂચ યોજવાની તૈયારીમાં છે. બીલાવલ ભુટ્ટો પણ પાકિસ્તાનની ઈમરાન સરકારને મળેલી નિષ્ફળતાઓની લોકોને માહિતી આપવા દેશવ્યાપી ચળવળ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે.

આમ ઈમરાન ખાન સરકાર આંતરિક તથા આંતરરાષ્ટ્રીય મોરચે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

જો પાકિસ્તાનની સરકાર આતંકવાદીઓને સમર્થન આપશે તો FATF સંસ્થા દ્વારા બ્લેકલીસ્ટ થાય તેવી સંભાવના છે.

અને બીજી બાજુ તરફ પાકિસ્તાનમાં ચીજવસ્તુઓના વધતા જતા ભાવોને કાબૂમાં લેવામાં વર્તમાન ઈમરાન સરકારને નીષ્ફળતા મળશે તો તેને નાગરિકો તથા વિપક્ષના રોષનો સામનો કરવો પડશે.