સ્વીડનના રાજવી દંપતીની ભારતની મુલાકાત અંગે સમીક્ષા

સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફ અને રાણી સિલ્વીયા ભારતની પાંચ દિવસની મુલાકાતે આવ્યા હતા. સ્વિડનના વિદેશમંત્રી ઍન લીન્ડે અને વેપાર મંત્રી ઇબ્રાહીમ બેલાન પણ તેમની સાથે ભારત આવ્યા હતા. તેમની સાથે સ્વિડનની 50 કંપનીઓ તથા સ્ટાર્ટ અપના પ્રતિનિધીઓ પણ ભારત આવ્યા. આ અગાઉ 1993 તથા 2005માં સ્વિડનના રાજાએ ભારતની મુલાકાત લીધી હતી.

ભારત અને સ્વિડન વચ્ચે સમયાંતરે યોજાતી ઉચ્ચકક્ષાની મુલાકાતોના લીધે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુને – વધુ મજબૂત બની રહ્યા છે. રાજા ગુસ્તાફ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રણાઓ કરી હતી તથા ઇનોવેશન અર્થાત નવકલ્પના અંગેની નીતિ બાબતની ઉચ્ચસ્તરીય બેઠકનું ઉદ્દઘાટન કર્યું હતું.

આ બેઠકમાં ભવિષ્યમાં સહકાર મજબૂત બનાવવો, આબોહવામાં પરિવર્તનના પરિણામોની અસર ઘટાડવી, સાતત્યપૂર્ણ વિકાસ જેવા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.

સ્વિડનના રાજાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ વાતચીત કરી હતી. આ પ્રસંગે ભારત અને સ્વિડને ત્રણ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. પ્રથમ સમજૂતી સ્વિડનની ઉર્જા એજન્સી અને ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે હસ્તાક્ષર કર્યા હતા.

સ્વિડનના શિક્ષણ અને સંશોધન વિભાગ તથા ભારતના ભૂ-વિજ્ઞાન મંત્રાલય વચ્ચે ધ્રુવીય વિજ્ઞાન ક્ષેત્રે સહકાર અંગેની સમજૂતી થઇ હતી. ત્રીજી સમજુતી દરિયાઇ સલામતી ક્ષેત્રને લગતી હતી.

સ્વિડનની KTH રોયલ ટેકનોલોજી સંસ્થા અને મદ્રાસની IIT વચ્ચે નવકલ્પના અને ઉદ્યોગસાહસિકતામાં કૌશલ્ય અંગેનું સંયુક્ત કેન્દ્ર સ્થપાશે.

સ્વિડનની સંશોધન પરિષદની આર્થિક સહાયથી આ કેન્દ્ર સ્થપાશે. વિદેશમંત્રી એસ. જયશંકરે પણ સ્વિડનના રાજવી પરિવાર સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે સ્માર્ટગ્રીડ અને જોઇન્ટ કોલ ક્ષેત્રે ઔદ્યોગિક સંશોધન વિકાસ કાર્યક્રમ હાથ ધરવાની જાહેરાત કરાઇ હતી.

આ બંને કાર્યક્રમ વર્ષ 2020માં હાથ ધરાશે. સ્વિડનના રાજાએ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે. વિજય રાધવન સાથે પણ મંત્રણા કરી હતી. આ મંત્રણાઓમાં ઉત્સર્જન અને વાયુ પ્રદુષણને રોકવાની બાબત ચર્ચાના કેન્દ્રમાં હતી.

સ્વિડનના રાજા અને રાણીએ સ્ટોકહોમ પાછા ફરતા પહેલા ઉત્તરાખંડ તથા મુંબઇની મુલાકાત લીધી હતી. આર્થિક મોરચાની વાત કરીએ તો ભારત સ્વિડનનો સૌથી મોટો 19મા ક્રમાંકનો આયાતકાર દેશ છે. એવી જ રીતે એશિયામાં ચીન અને જાપાન પછી ત્રીજા ક્રમાંકનો વેપાર ભાગીદાર દેશ છે.

ભારત અને સ્વિડન વચ્ચે 2009માં દ્વિપક્ષીય વેપાર બે અબજ અમેરીકી ડોલરનો હતો જે વર્ષ 2014-15માં વધીને અઢી અબજ અમેરીકી ડોલરનો થયો છે.

બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર પાંચ અબજ ડોલર સુધી લઇ જવાનો નિર્ધાર કર્યો હતો. આની સકારાત્મક અસર સ્વરૂપે ભારતમાં સ્વિડનનું મૂડીરોકાણ વધ્યું છે.

ભારતને આઝાદી મળી તે અગાઉ જ સ્વિડીશ કંપનીઓ ભારતમાં આવી ચૂકી હતી. જેમ કે, એરીકસન, સ્વિડીશ મેચ અને SKF કંપનીઓ ભારતમાં વર્ષ 1920માં આવી હતી. આ ઉપરાંત એટલાસ કોપકો, સેન્ડવીક, વોલ્વો, અસ્ટ્રા ઝેનેકા – જેવી કંપનીઓએ પણ ભારતમાં હાજરી નોંધાવી છે. એવી જ રીતે ભારતની આશરે 20 જેટલી ખાસ કરીને IT ક્ષેત્રની કંપનીઓ આજે સ્વિડનમાં કાર્યરત છે.

ભારત અને સ્વીડન લગભગ સમાન લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે તથા પરસ્પર હિતના ક્ષેત્રોમાં આગળ વધવા પ્રતિબદ્ધ છે. ભારત અને સ્વિડનના પરસ્પર હિત આધારીત આ સંબંધોથી એક આગવા સહકારની શરૂઆત થઇ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને સ્વિડનના આર્થિક અને રાજકીય ક્ષેત્રના વૈચારીક આદાન-પ્રદાન તથા સહકારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અવકાશ ટેકનોલોજી, કૃષિ, જૈવ ઇંધણ જેવા ક્ષેત્રોમાં ભારત-સ્વીડન વચ્ચેનો સહકાર હજી સઘન બનાવવાની તક છે.

સ્વિડનના રાજા અને રાણીની મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો હજી નવી ઉંચાઇએ લઇ જવાની તક ઊભી થઇ છે.

 

લેખક- ડોકટર સંઘમિત્રા શર્મા, યુરોપીયન બાબતોના વિશ્લેષક