અમેરિકા અને તાલીબાનો વચ્ચેની મંત્રણા ફરી શરૂ થઈ હોવા છતાં ઘણા પડકારો બાકી હોવા અંગે સમીક્ષા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં અફઘાનિસ્તાનના બગરામ ખાતેના અમેરિકાના એરબેઈઝ તથા તબીબી સુવિધા આપતા કેન્દ્રની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત વખતે શ્રી ટ્રમ્પે તાલીબાનો સાથે શાંતિ મંત્રણાનો ફરીથી આરંભ થયો હોવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ તરત જ ગત બુધવારે તાલીબાની આત્મઘાતી હુમલાખોરે બગરામ એરબેઝ ખાતે શક્તિશાળી બોંબ ધડાકો કર્યો હતો.

આ બનાવે પુરવાર કર્યું છે કે, શાંતિ મંત્રણામાં અવરોધો ઉભા થઈ શકે છે. ગત સપ્તેમ્બર માસમાં તાલીબાનોને પીછેહટ કરવી પડી ત્યાર પછી તાલીબાનોએ તેઓ મંત્રણા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે, સંઘર્ષ વિરામના ધારાધોરણોને આખરી ઓપ અપાયા બાદ યુદ્ધવિરામ જાહેર કરાશે.

ત્યારપછી તાલીબાનોના દૂતે આ સંદેશો લઈને ચીન, રશિયા તથા પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

તાલીબાનના પ્રવક્તા સુહૈલ શાહિને જણાવ્યું છે કે, વિલંબ થયા પછી અમેરિકા અને તાલીબાનો વચ્ચે શાંતિ મંત્રણાનો ફરીથી આરંભ થયો છે.

તાલીબાનોએ એવો આગ્રહ જાળવી રાખ્યો છે કે, તે અફઘાનિસ્તાનનું હાલનું નામ ઈસ્લામીક રિપબ્લીક છે, તેના સ્થાને ઈસ્લામીક અમીરાત કરવા ઈચ્છે છે.

તાલીબાનોની આ દરખાસ્તનો અફઘાનિસ્તાનની અશરફ ઘનીના વડપણ હેઠળની સરકારે વિરોધ કર્યો છે.

તેમનું માનવું છે કે, તેમની સરકાર અફઘાનિસ્તાનની ઓળખ બાબતે બાંધછોડ કરી શકશે નહીં.

તાલીબાનોના જણાવ્યા મુજબ ગત સપ્ટેમ્બર માસમાં અમેરિકાએ દ્વિપક્ષીય વાતચીત રદ કરી હતી, તે પહેલા ઘણા મુદ્દાઓ ઉકેલાયા હતા.

જોકે સંઘર્ષ વિરામના ધારાધોરણો તૈયાર કરવા તથા અફઘાન સરકાર સાથે શાંતિ મંત્રણા કરવી એ બાબત જ અવરોધરૂપ બની છે.

આગામી સમયમાં અમેરિકા, તાલીબાનો તથા અફઘાન સરકાર આ અંગે વાતચીત કરવાના હોવાથી આગામી સમય પડકારરૂપ બની રહેવાનો છે.

બીજું કાબુલ સરકારનો દરજ્જો આ પણ વિવાદનો મુદ્દો છે.

ગત 28મી સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી યોજાઈ ગઈ પણ હજી સુધી પરિણામો જાહેર કરી શકાયા નથી.

દરમ્યાન અશરફ ઘનીના હરીફ ડોક્ટર અબ્દુલ્લાહે, રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીની મત ગણતરીમાં પારદર્શિતા અને ન્યાયી વ્યવસ્થાની માગણી કરી છે.

આ ચૂંટણી વખતે ઉભા થયેલા વિવાદ જો હિંસાનું સ્વરૂપ ધારણ કરે તો અગાઉથી વિવાદાસ્પદ બની રહેલી અમેરિકા અને તાલીબાનો વચ્ચેની વાતચીત વધુ તીવ્ર વિવાદ ધારણ કરે તેવી સંભાવના છે.

જો અફઘાની નાગરિકોનું સમર્થન નહીં મળે તો તાલીબાનો ઘની સરકારની માન્યતાને પડકારી શકે છે.

તાલીબાનો પોતાને અફઘાન નાગરિકોના સાચા પ્રતિનિધિ માને છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય પૈકી ઘણાએ એવો સંકેત આપ્યો છે કે, તાલીબાનો પણ અફઘાન સરકારનો હિસ્સો હોય તેવી વ્યવસ્થાની તેઓ તરફેણ કરે છે. રશિયાના જણાવ્યા મુજબ IS ત્રાસવાદી સંગઠને અફઘાનની ભૂમિ ઉપર પગપેસારો કરતા તાલીબાનોને સત્તામાં ભાગીદારી આપવાની બાબત હવે ટાળી શકાશે નહીં, તેવું જણાય છે.

રશિયા અને ચીન એ અંગે ચિંતા ધરાવે છે કે, અફઘાનિસ્તાનમાં ISનો પ્રભાવ જો વધશે તો મધ્ય એશિયા તથા ચીનના ઘણા વિસ્તારોમાં શાંતિ અને સલામતી જોખમાય તેવી શક્યતા નકારી શકાય નહીં.

આમા લાંબાગાળાની સમસ્યા ઉકેલવા માટે ચીન અને રશિયા, તાલીબાનોને સત્તામાં ભાગીદાર બનાવવા માગે છે.

એવું મનાય છે કે, તાલીબાનો સંઘર્ષ વિરામની જાહેરાત કરે તે સાથે જ અફઘાન શાંતિ મંત્રણામાં જોડાયેલા બધા જ દેશો અફઘાનિસ્તાનમાં સરકારની રચનામાં બધા જ વર્ગો સાથે વાતચીત શરૂ કરશે.

અફઘાનિસ્તાનમાં શાંતિ જળવાય તેવું વાતાવરણ નહીં હોવાથી કેટલાક વર્ગોએ વિશ્વાસનું વાતાવરણ મજબુત થાય તેવા પગલાં ભરવાનો અમેરિકાને અનુરોધ કર્યો છે.

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હામીદ કરઝાઈએ તાલીબાનોનો વિશ્વાસ જીતવા એકપક્ષીય યુદ્ધવિરામ કરવા અમેરિકાને અપીલ કરી છે.

ભારતે અફઘાનિસ્તાનમાં બે અબજ અમેરિકી ડોલરના ખર્ચે વિકાસકામો હાથ ધરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હોવાથી ભારતે અફઘાનિસ્તાનમાં બનતી ઘટનાઓ ઉપર ચાંપતી નજર રાખવાની જરૂર છે.

લેખક – કલ્લોલ બેનરજી, હિંદુના ખાસ સંવાદદાતા