સામાજીક-આર્થિક વિકાસ માટે વૈજ્ઞાનિક ક્ષમતા અંગે સમીક્ષા

પરંપરાગત રીતે વિજ્ઞાન પ્રયોગ શાળાની ચાર દિવાલોમાં બંધ રહ્યું હતું.

જોકે દેશને વિકાસના પંથે આગળ વધારવા માટે વિજ્ઞાનને સામાજીક રીતે વધુ પ્રસ્તુત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ભારતમાં તાજેતરમાં વૈજ્ઞાનિકોના મહાકુંભ તરીકે ઓળખાતું 107મું ભારતીય વિજ્ઞાન સંમેલન યોજાઈ ગયું.

આ સંમેલનમાં રાષ્ટ્રીય અગ્રણીઓએ વિજ્ઞાનને લોકભિમુખ બનાવવા પ્રયોગશાળા અને વાસ્તવિક ધરતી તથા પ્રયોગશાળા અને આરોગ્ય સંભાળ ક્ષેત્રે રહેલ અંતરને નાબુદ કરીને વિજ્ઞાનને લોકોપયોગી બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.

આ વખતના વિજ્ઞાન સંમેલનની વિષયવસ્તુ હતી – વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ગ્રામીણ વિકાસ…

ટેકનોલોજી એ સરકાર અને નાગરિકોને જોડતો સેતુ છે, એવી જ રીતે ટેકનોલોજી યોગ્ય અને ઝડપી વિકાસ ક્ષેત્રે સંતુલન સાધનાર પરિબળ પણ છે.

ટેકનોલોજી કોઈ પ્રત્યે પૂર્વગ્રહ કે નકારાત્મક અભિગમ રાખતી નથી.

આથી જ ટેકનોલોજી અસાધારણ પરિણામ લાવી શકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરૂમાં યોજાયેલા ભારતીય વિજ્ઞાન સંમેલનમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું.

આબોહવામાં થઈ રહેલા ઝડપી પરિવર્તનને લીધે પૃથ્વીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થઈ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં તાજેતરમાં લાગેલી ભીષણ આગ તથા એમેઝોનના જંગલોમાં તાજેતરમાં લાગેલી આગ કદાચ માનવી બેજવાબદારીને લગતી ગણાવી શકાય.

પણ વૈજ્ઞાનિકો આવા બનાવોની નોંધ લઈને એવી ચેતવણી આપી રહ્યા છે કે, આબોહવામાં થઈ રહેલા પરિવર્તનના કારણે હજી વધુ ગંભીર કુદરતી હોનારતો થાયતેવી શક્યતા છે.

આવી હોનારતોથી પૃથ્વી પરની વનસંપદાને પારાવાર નુકસાન થઈ શકે છે.

વિજ્ઞાન સંમેલનના સમાપન સત્રને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, તીવ્ર વાવાઝોડુ, ભીષણ આગ, પૂર તથા દુકાળના સ્વરૂપમાં કુદરતનો રોષ આપણે સહુ અનુભવી રહ્યા છીએ.

આથી જ આબોહવામાં પરિવર્તનની સમસ્યાનો ઉકેલ મેળવવા સહિયારો પ્રયાસ કરવો પડશે.

કોઈપણ દેશ વિશ્વના બીજા હિસ્સામાં થઈ રહેલી કુદરતી આફતો અંગે અલિપ્ત રહી શકશે નહીં.

કારણ કે સમગ્ર વિશ્વનું પર્યાવરણ એક બીજા સાથે જોડાયેલું અને પરસ્પર આધાર ધરાવે છે.

શ્રી નાયડુએ જણાવ્યું હતું કે, આપણા સહુના પ્રયાસો સમૃદ્ધિ વધારવા માટેના નહીં પણ જીવનની ગુણવત્તા વધારવા માટેના હોવા જોઈએ.

આથી જ પર્યાવરણના રક્ષણ સાથે દેશના વિકાસને લગતી સમસ્યાઓના ઉકેલ માટે વૈજ્ઞાનિકોએ સઘન પ્રયાસો કરવા પડશે.

ભારતની કેટલીક સમસ્યાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉકેલ લાવવાની તાતી જરૂર છે.

ટેકનોલોજીએ ખેતીની પદ્ધતિઓ, આરોગ્ય સંભાળ તથા સમાજ સેવાને લગતી યોજનાઓના અમલીકરણમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

જોકે ટેકનોલોજીના લાભોના ફળ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચે તે હેતુથી ટેકનોલોજીનો ઉપયોગ ચાલુ રહેવો જોઈએ.

આ બાબત દેશના કદ અને વસતીને ધ્યાનમાં લેતા દેશના વહિવટકર્તાઓ, આયોજકો તથા વૈજ્ઞાનિકો માટે સાચે જ પડકારજનક છે.

ઉપરાષ્ટ્રપતિએ એક મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, આપણે વિજ્ઞાન ક્ષેત્રે કેટલા સંશોધનપત્રો પ્રકાશિત થયા છે તેના આધારે વિજ્ઞાનમાં આપણે કેટલી પ્રગતિ કરી છે તેનો નિર્ણય લેતા હોઈએ છીએ પણ વૈજ્ઞાનિકોએ પ્રગતિનો નિર્ણય સંબંધીત સંશોધનો આપણી વર્તમાન સમસ્યાઓ – પડકારો ઉકેલવામાં કેવી રીતે મદદરૂપ થાય તેના આધારે કરવો જોઈએ.

ભારતની પરંપરા જોઈએ તો અહિં વૈજ્ઞાનિકો અભિગમ શરૂઆતથી જણાય છે અને સી.વી.રમન, મેઘનાથ સાહા, શ્રી નિવાસ રામાનુજમ, હોમી ભાભા, જગદીશચંદ્ર બોઝ જેવા ઘણાં વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની વૈજ્ઞાનિક શોધખોળોથી સન્માનનીય દરજ્જો મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાસ્તવમાં યોગ્ય રીતે જ જણાવ્યું છે કે, ભારતની મૂળભૂત સમસ્યાઓ ઉકેલવા માટે ભારતને નવકલ્પના, પેટન્ટ, ઉત્પાદનો અને સમૃદ્ધિ અને વૈજ્ઞાનિકો સંશોધનોની જરૂર છે.

લેખક – એન.ભદ્રન નાયર, ભારતીય વિજ્ઞાન પત્રિકાના કાર્યકારી તંત્રી