ચીન અને પાકિસ્તાન વચ્ચેની સાંઠગાંઠ જાહેર થઈ – એ અંગે સમીક્ષા

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદની બેઠકમાં ચીનનો પ્રયાસ નિષ્ફળ બન્યો છે. ચીને રાષ્ટ્રસંઘની સલામતી સમક્ષ કાશ્મીર મુદ્દે અનૌપચારિક વાતચીત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો, જેને પાકિસ્તાને સમર્થન આપ્યું હતું.

જોકે સલામતી પરિષદના મોટાભાગના સભ્યોએ આ દરખાસ્ત ફગાવી દીધી હતી. ચીને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરાઈ તે મુદ્દે રાષ્ટ્રસંઘમાં ચર્ચા કરવાનો આ ત્રીજો નિષ્ફળ પ્રયાસ હતો.

ભારતના વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરી હતી કે, ચીને આ નિષ્ફળતાઓમાંથી બોધપાઠ લેવો જોઈએ. કારણ કે રાષ્ટ્રસંઘના મોટાભાગના સભ્યોએ કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે.

રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને જણાવ્યું છે કે, પાકિસ્તાન તેની ઘરઆંગણાની સમસ્યાથી લોકોનું ધ્યાન બીજે વાળવાના પ્રયાસરૂપે આ પ્રકારના ખોટા કારણો અને દલીલો કરતો હોય છે.

રાજદ્વારી કામગીરીમાં અસત્ય આરોપોથી સફળતા મળતી નથી પણ કોઈપણ મુદ્દે વાસ્તવિક નાના પણ મક્કમ પગલાં લેવા જોઈએ. અને ભારતે ગત 5મી ઓગસ્ટે આ નાનું પણ મહત્વનું પગલું લીધું છે.

શ્રી અકબરૂદ્દીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ અને રશિયાએ ભારતીય વલણ અને વિચારને સમર્થન આપ્યું છે.

આ ચારેય સભ્યોએ કાશ્મીરને ભારતની આંતરિક બાબત ગણાવી છે. શ્રી અકબરૂદ્દીને જણાવ્યું હતું કે, રાજદ્વારી કામગીરીમાં સ્પષ્ટતા અને પારદર્શિતા હોવી જોઈએ અને આ બાબતોનો પાકિસ્તાને થોડાક સમય પહેલા ત્યાગ કર્યો છે.

પાકિસ્તાને ગંભીરતા દાખવીને રાજદ્વારી કામગીરી ફરીથી શરૂ કરવી જોઈએ. પાકિસ્તાનના કાયમી મિત્ર દેશ એવા ચીને રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં અન્ય મુદ્દાઓની સાથે-સાથે કાશ્મીર મુદ્દે ચર્ચા હાથ ધરાય તેવા પ્રયાસો શરૂ કર્યા.

સલામતી પરિષદના કાયમી પાંચ દેશો પૈકી માત્ર ચીન જ કાશ્મીર મુદ્દે ચર્ચાની તરફેણમાં નિવેદનો કરતું હતું. જ્યારે બીજા ચાર દેશો અલગ અભિગમ ધરાવતા હતા. 

શ્રી અકબરૂદ્દીને જણાવ્યું કે, આ સમગ્ર બાબત કાશ્મીર અંગે જાગતિક સર્વસંમતી દર્શાવે છે. ચીને અત્યાર સુધીમાં કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણના ત્રણ વખત નિષ્ફળ પ્રયાસો કર્યા છે.

શ્રી અકબરૂદ્દીનનું માનવું છે કે, રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં નવા સભ્યો આવતા ચીને કાશ્મીર મુદ્દે ફરીથી નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રસંઘની 15 સભ્યોની સમિતીમાં દર વર્ષે બિન-કાયમી સભ્ય દેશોમાં ફેરફાર થતા હોય છે. આથી જ ચીને નવા સભ્ય દેશો કાશ્મીર મુદ્દે પાકિસ્તાન તથા પોતાનું વલણ કદાચ સ્વીકારે તેવા અભિગમ સાથે પ્રયાસ કર્યો છે.

આ બધા જ પ્રયાસોના પરિણામો દર્શાવે છે કે, સમગ્ર વિશ્વના મોટાભાગના દેશો એવું વલણ ધરાવે છે કે, કાશ્મીર એ દ્વિપક્ષીય મુદ્દો છે અને તેનો ઉકેલ ભારત અને પાકિસ્તાને મંત્રણા દ્વારા લાવવો જોઈએ.

શ્રી અકબરૂદ્દીને આતંકવાદને દેશની નીતિ અથવા વલણ તરીકે ઉપયોગ કરવાના પાકિસ્તાનના અભિગમની આકરી ટીકા કરી છે. જોકે ભારત પાકિસ્તાન સાથે મંત્રણા વડે ઉકેલ મેળવવા તત્પર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

ભારતે કાશ્મીરમાં 370મી કલમ રદ કરી છે ત્યારથી પાકિસ્તાન જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને હજુ સુધી પોતાના પ્રયાસોમાં નીષ્ફળતા સાંપડી છે.

વાસ્તવમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ઘરઆંગણાના પ્રશ્નોથી લોકોનું ધ્યાન બીજે વાળવાના પ્રયાસરૂપે કાશ્મીરનો ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સમસ્યા તથા ઘરઆંગણે તીવ્ર રાજકીય-સામાજીક ઘર્ષણ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

પાકિસ્તાન સમગ્ર દક્ષિણ એશિયાઈ દેશોમાં સૌથી ઓછો માનવ વિકાસ સૂચકાંક ધરાવે છે. પાકિસ્તાનમાં સાડા છ કરોડ જેટલા નાગરિકો ગરીબીનો સામનો કરી રહ્યા છે.

આ બધુ જ ધ્યાનમાં લેતા શ્રી ઈમરાન ખાને ભારતના વિરૂદ્ધ બોલવા કરતા ચૂંટણી વખતે નવા પાકિસ્તાનના આપેલા વચનને ચરિતાર્થ કરવા નક્કર પગલાં લેવા જોઈએ.

લેખક – કૌશિક રોય, આકાશવાણીના સમાચાર વિશ્લેષક