નાઇજર-તુનીશીયા સાથે ભારતના ઊંડા થઈ રહેલા સંબંધો અંગે સમીક્ષા

આફ્રિકાના દેશો સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો વધારવાના ભાગરૂપે વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે આ અઠવાડિયે નાઇજર અને તુનીશીયાની મુલાકાત લીધી હતી. 

સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદમાં ભારતને સમર્થન આપ્યા બાદથી આફ્રિકન દેશો સાથેના સંબંધોને ભારત વિશેષ મહત્વ આપે છે. વિદેશમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી જયશંકરની આફ્રિકન દેશની આ પ્રથમ મુલાકાત હતી. 

નાઇજરની મુલાકાત દરમિયાન શ્રી જયશંકરે નાઇજરના રાષ્ટ્રપ્રમુખ શ્રી મહામાદું ઇસ્સોફોઉની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ સંયુક્ત રીતે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય કન્વેનશન સેન્ટર ખુલ્લું મુક્યું હતું. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ગાંધીજીના સન્માનમાં આફ્રિકામાં બનાવાયેલું આ પ્રથમ સેન્ટર છે. આ સેન્ટરની સ્થાપના ભારત – નાઇજર સંબંધો માટે સીમાચિહ્ન રૂપ તથા આફ્રિક સાથે મજબૂત સહભાગિતાના પ્રતિકરૂપ છે. 

આ આધુનિક અને ઇકો ફ્રેન્ડલી સુવિધા યુક્ત સેન્ટરમાં આફ્રિકન યુનિયનના સભ્ય દેશો અને અન્ય ઉચ્ચ કક્ષાના સંમેલનો દ્વારા ઉચ્ચ સ્તરીય વ્યાપક ભાગીદારીના સાક્ષીરૂપ બે હજારની ક્ષમતા વાળો પ્લેનરી હોલ બનાવાયો છે. 

નાઇજરના નીઆમેયની મુલાકાત દરમિયાન વિદેશમંત્રીએ નાઇજરના પ્રધાનમંત્રી બ્રીગી રાફીનીની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત તેમણે નાઇજરના વિદેશમંત્રી શ્રી કલ્લા અનકુઓરાવ સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે સઘન ચર્ચાઓ કરી હતી. બંને પક્ષોએ વિકાસ, સુરક્ષા, આતંકવાદ સામેના પડકારો અંગે ચર્ચા-વિચારણા કરવા ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા કેટલાંક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારતે, પરિવહન, વીજળીકરણ, સૌર ઉર્જા, પીવાલાયક પાણી માટેના પ્રોજેક્ટ માટે નાઇજરને ધિરાણ આપ્યું છે. ભારતીય તકનીકી અને આર્થિક સહભાગીતા કાર્યક્રમ અંતર્ગત, હજારો નાઇજર કર્મચારીઓએ ભારતની ક્ષમતા નિર્માણ તાલીમમાં ભાગ લીધો છે. ભારતે, ગત જુલાઈમાં નીઆમેય ખાતે આફ્રિકન યુનિયન શિખર પરિષદ યોજવા નાઇજરને સહયોગ આપ્યો હતો.

વિવિધ આંતરરાષ્ટ્રીય ફોરામાં વિવિધ પદો માટે ભારતની ઉમેદવારીને નાઇજરે હંમેશાં સમર્થન આપ્યું છે. કોમ્પલાયન એન્ડ ફેસીલીટેશન, ડિટેક્ટર પદ માટે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝન, WHOમાં 2020-23 માટે એક્ટરનલ ઓડિટર પદ માટે અને 2019-22 માટે કાઉન્સીલ  ઓફ ICAO જેવા વિવિધ પદો માટે ભારતની ઉમેદવારીને નાઇજરે સમર્થન આપ્યું છે. 

2016-17માં ભારત – નાઇજર વચ્ચેનો વેપાર 81.27 મીલીયન અમેરિકી ડોલર હતો. જે 2017-18માં વધીને 140.45 મીલીયન અમેરિકી ડોલરે પહોંચ્યો છે. ભારતે 2019-20માં નાઇજરમાં 51.76 મીલીયન અમેરિકી ડોલરની નિકાસ કરી છે. નાઇજરએ 0.34 મીલીયન અમેરિકી ડલરની નિકાસ ભારતને કરી છે.

ડોક્ટર જયશંકરની ટ્યુનિશીયાની મુલાકાત દરમિયાન, બંને દેશોએ ત્યાં ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી ઇનોવેશન સેન્ટર સ્થાપવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. વિદેશમંત્રી ટ્યુનિશીયાના રાષ્ટ્રપતિ શ્રી કઇસ સઇદને મળ્યા અને ટ્યુનિશીયાના વિદેશમંત્રી શ્રી સબરી બચતીબજીને પણ મળ્યા તથા દ્વિપક્ષીય આર્થિક સંબંધો વિસ્તારવાને કેન્દ્રમાં રાખીને વાતચીત કરી અને બહુપક્ષીય મંચોમાં સાથે મળીને કામ કરવા અંગે સહમત થયા. ટ્યુનિશીયા ફોસ્ફેટની આધારભૂત સ્ત્રોત રહ્યો છે. ટ્યુનિશિયાના વૈશ્વિક ફોસ્ફરિક એસીડ નિકાસનો 50 ટકા હિસ્સો ભારતમાં આવે છે. ભારતે 100 આઈ.ટી.ઈ.સી. સ્લોટ્સ ઓફર કર્યા છે.  અને ટ્યુનિશીયાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 10 ઇન્ડિયા કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સની શિષ્યવૃત્તિઓની ઓફર કરી છે. 

આ મુલાકાત 2017માં નવી દિલ્હીમાં ટ્યુનિશીયા-ઇન્ડિયાની સંયુક્ત સમિતિના નિર્ણય અને ભલામણો તથા તે પ્રસંગે દીર્ઘદૃષ્ટિપૂર્ણ માર્ગ અપનાવવાના સંદર્ભમાં મહત્વની છે. જે મહત્વના ઘણા ક્ષેત્રોમાં તથા રસના વિષયોમાં ભારત – ટ્યુનિશીયા ભાગીદારને નવા આયામ આપી શકે છે. 

ઉપરાંત, કોઈ ભારતીય વિદેશમંત્રીની 1958 પછી ટ્યુનિશિયાની આ બીજી સત્તાવાર મુલાકાત હતી. 

નાઇજર અને ટ્યુનિશીયા બંને ભારત માટે મહત્વના છે. કારણ કે, તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો છે અને ભારતે આ બંને આફ્રિકન દેશો પાસેથી સહયોગ મેળવ્યો છે, આમ, ભારતની રાજદ્વારી પહેલ તે આ સહયોગ માટે પ્રશંસા અને આભાર દર્શાવવા રૂપે પણ છે.

લેખક – વીનીત વાહી, પત્રકાર

નિકીતા શાહ, શિવાંગી ભટ્ટ, રમેશ પરમાર