કેન્દ્ર સરકારે, ભારતના અર્થતંત્રને 5 ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા, રાષ્ટ્રીય માળખાકીય યોજના – એન.આઇ.પી.ની કરેલી દરખાસ્ત અંગે સમીક્ષા

ભારત સરકારે આગામી પાંચ વર્ષમાં દેશના સામાજીક તથા આર્થિક ક્ષેત્રે મહત્વના પરિવર્તનો લાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.

આ પ્રતિબધ્ધતાના ભાગરૃપે જ 102 લાખ કરોડ રુપિયાના ખર્ચે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન – NIP – એટલે કે માળખાકીય સુવિધાઓ વધારવાની યોજના બજેટમાં સૂચવવામાં આવી છે.

આઝાદી પછીના સમયગાળામાં વિવિધ સરકારોએ ઘણી યોજનાઓ અમલમાં મૂકી અને તેનાથી વિકાસને ગતિ પણ મળી, પણ, આ વખતની માળખાકીય યોજના માળખાકીય વિકાસની સાથે – સાથે , દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની નેમ ધરાવે છે.

પોતાની રીતે આગામી વિશેષતા ધરાવતી NIP યોજના, રોજગારીની નવી તકોના નિર્માણની ખાતરી આપે છે. તથા સર્વસમાવેશક વિકાસ દ્વારા જીવન જીવવામાં સરળતા લાવવાની ખાતરી પણ આપે છે.

ગયા વર્ષે 15 મી ઓગસ્ટે રાષ્ટ્રજોગ સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આગામી પાંચ વર્ષમાં માળખાકીય વિકાસ ક્ષેત્રે 100 લાખ કરોડ રુપિયાના રોકાણનો સંકેત આપ્યો હતો. આ ભગીરથ કાર્ય માટે આર્થિક બાબતોના વિભાગના સચિવના અધ્યક્ષપદે ખાસ કાર્યદળની રચના સપ્ટેબર 2019 માં કરવામાં આવી.

આ ખાસ કાર્યદળે ચાર મહિનાના સમયગાળામાં લાગતાવળગતાઓ સાથે 70 જેટલી મસલતો કર્યા પછી, 102 લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટો તારવી કાઢ્યા હતા. આ પ્રોજેક્ટોમાં માર્ગ, રેલવે, સિંચાઇ, શિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

નાણામંત્રાલયે આપેલી માહિતી મુજબ NIP યોજના હેઠળ – બંદરો તથા વિમાનમથકોના પ્રોજેક્ટો માટે 2.5 લાખ કરોડ રુપિયા ડિજીટલ ઇન્ફ્રા પ્રોજેક્ટો માટે 3.2 લાખ કરોડ રુપિયા , કૃષિ ગ્રામીણ વિસ્તારો અને સિંચાઇ માટે – 16 લાખ કરોડ રુપિયા ફાળવવામાં આવશે.

આગામી પાંચ વર્ષમાં હાથ ધરાનારા 102 લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટો પૈકી 42.7 લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટો અમલીકરણમાં મુકાયા છે, જ્યારે 32. 7 લાખ કરોડ રુપિયાના પ્રોજેક્ટો વિચારણા હેઠળ છે. બધા જ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ વિસ્તારોને આવરી લેતા આ પ્રોજેક્ટોના સમયસર અમલીકરણની કામગીરી સાચે જ પડકારજનક છે, આમ છતા સરકારની કાર્યપ્રત્યેની પ્રતિબધ્ધતા પણ એટલી જ મહત્વની છે.

આ બધા જ પ્રોજેક્ટો આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરી શકાય, તે હેતુથી ખાસ દેખરેખ વ્યવસ્થા ઉભી કરાઇ છે.

આમ છતા એક બાબત ઉલ્લેખનીય છે કે આ બધા જ પ્રોજેક્ટો કેન્દ્ર સરકારના નથી પણ NIP પ્રોજેક્ટોમાં વિવિધ રાજ્ય સરકારો તથા વિદેશી રોકાણકારો સહિત ખાનગી ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.

સૂચિત માળખકાયી સુવિધા પ્રોજેક્ટોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને હિસ્સો 39 – 39 ટકા રહેશે, જ્યારે ખાનગી ક્ષેત્રનો હિસ્સો 22 ટકા રહેશે. સરકાર આગામી વર્ષ – 2025 સુધીમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારીને 30 ટકા સુધી લઇ જવાની નેમ ધરાવે છે.

આ સમગ્ર NIP પ્રોજેક્ટોનો ઉદેશ સમગ્ર ભારતમાં આધુનિક માળખાકીય સુવિધા ઉભી કરવાનો છે. આના સીધા પરિણામે દેશની આર્થિક પ્રવૃત્તિને પણ નવું બળ મળશે.

આ બધાના લીધે મહેસુલી આવક પણ વધશે અને સરકાર વધારાની આવકનો ઉપયોગ મહત્વના ઉત્પાદક અને લોકકલ્યાણના કાર્યોમાં કરી શકશે. સરકારનું માનવું છે કે સમગ્ર વિશ્વમાં આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી છે ત્યારે સૂચિત NIP પ્રોજેક્ટ તેનો ઉકેલ, લાવી શકશે.

આગામી 2030 સુધીમાં ભારતને માળખાકીય સુવિધા વિકાસક્ષેત્રે 4.5 ટ્રિલીયન ડોલરના મૂડીરોકાણની જરુર પડશે. આના લીધે 8 ટકાનો આર્થિક વિકાસદર સાધવામાં તથા રોજગારની તકો વધારવામાં પણ મદદ મળશે.

સુચિત NIP પ્રોજેક્ટોમાં આ બધુ જ સાકાર કરવાની ક્ષમતા છે. NIP યોજનાઓ સમયસર પૂરી થવાથી તેની સમગ્ર અર્થતંત્ર ઉપર સકારાત્મક અસર જોવા મળશે. સરકાર સારા ધ્યેય સાથે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સાથે આર્થિક પડકારોનો સામનો કરવા આગળ વધી રહી છે. ત્યારે સમાજના બધા વર્ગોના લોકોએ આ પહેલોને આગળ વધી આવકારવી જોઇએ.

લેખક – શંકર કુમાર, પત્રકાર