શ્રીલંકાના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળ્યું – એ અંગે સમીક્ષા

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી. શ્રી રાજપક્ષે તથા તેમની સાથે ભારત આવેલા પ્રતિનિધિમંડળે, ભારતીય અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાથે વિવિધ વિષય ઉપર ચર્ચા – વિચારણા કરી. વિદેશમંત્રી – એસ. જયશંકરે પણ શ્રી રાજપક્ષે સાથે મંત્રણા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે ભારત અને શ્રીલંકા બન્ને ખાસ મિત્ર દેશો છે. આ બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક તથા ભાષા જેવા ઘણાં પાસાઓ રહેલા છે.

સલામતી હોય કે આર્થિક પ્રગતિ હોય પણ ભારત અને શ્રીલંકા વર્ષોથી એકબીજા સાથે સંકળાયેલા છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શ્રીલંકાની સ્થિરતા સલામતી અને સમૃદ્ધિ એ માત્ર શ્રીલંકાના જ નહિ પણ સમગ્ર હિંદ મહાસાગર વિસ્તારના હિતમાં છે, તેમ ગણાવી શકાય.

તેમણે એમ પણ કહ્યું કે ભારત શ્રીલંકાને અને તેની સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે. પ્રાદેશિક સલામતીના મુદ્દે શ્રીલંકાએ ભારત સાથે કામ કરવાની દર્શાવેલી તત્પરતાને ભારતે આવકારી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી મહિન્દા રાજપક્ષેએ બધા જ દ્વિપક્ષીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે સઘન ચર્ચા કરી હતી. આતંકવાદ એ દક્ષિણ એશિયાની મોટી સમસ્યા છે અને બન્ને દેશોએ આ સમસ્યાનો સામનો અત્યાર સુધી સારી રીતે કર્યો છે. શ્રીલંકામાં ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ઇસ્ટરના પર્વ પ્રસંગે મોટો આતંકવાદી હુમલો થયો હતો.

આ હુમલો વાસ્તવમાં માનવતા ઉપર થયેલો હુમલો ગણાવી શકાય. બન્ને આગેવાનોએ આતંકવાદનો સાથે મળીને સામનો કરવા અંગે ચર્ચા કરી હતી. શ્રીલંકાના પોલીસ જવાનો ભારતમાં આવેલી તાલીમ સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીની તાલીમ લઇ રહ્યા છે.

ભારત, બન્ને દેશો વચ્ચેના સંબંધો, સંપર્કો વધુ મજબૂત બનાવવા ઉત્સુક છે. બન્ને આગેવાનોએ શ્રીલંકામાં હાથ ધરાયેલા સંયુક્ત આર્થિક પ્રોજેક્ટો, લોકો વચ્ચે સંપર્ક વધારવા, પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. તાજેતરમાં ચેન્નાઇથી શ્રીલંકાના જાફના વચ્ચે શરુ કરાયેલી સીધી વિમાનસેવાના લીધે જાફનામાં રહેતા તમીલ લોકોને વધુ સુવિધા ઉપલબ્ધ થઇ છે.

ભારત શ્રીલંકાના વિકાસમાં સૌથી વધુ વિશ્વસનીય મિત્ર દેશ રહ્યો છે. ભારતે, શ્રીલંકાને ગયા વર્ષે વિકાસકામો માટે જાહેર કરેલ ધિરાણના લીધે બન્ને દેશો વચ્ચેના સહકારને નવું બળ મળશે. ભારતે ઉત્તર પૂર્વ શ્રીલંકામાં વિસ્થાપીત થયેલા લોકો માટે 48 હજાર આવાસો બાંધવાનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે.

ભારતીય મૂળના અને શ્રીલંકામાં વસતા હજ્જારો તમિળો માટે મોટી સંખ્યામાં આવાસો બાંધવાનો પ્રોજેક્ટ હાલ શ્રીલંકામાં ચાલી રહ્યો છે.

બંને દેશોના પ્રધાનમંત્રીઓએ બંને દેશોના માછીમારોની સમસ્યા અંગે માનવતાભર્યા અભિગમથી ચર્ચા કરી.

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ તેમની ઉપર સ્થાનિક વિકાસ તથા વિદેશ નીતિમાં અસરકારક તથા નક્કર નિર્ણયો લેવા બાબતે રહેલા દબાણની ચર્ચા કરી.

ચીનના વધતા દેવા અંગે ટિપ્પણી કરતા શ્રી રાજપક્ષેએ જણાવ્યું હતું કે, તે વખતે તેમની સરકાર હોત તો તેમણે આ પરિસ્થિતિ ઊભી થવા દીધી ન હોત.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, શ્રીલંકાની સરકાર, શ્રીલંકામાં વસતા તમીલોની આશા-આકાંક્ષાઓને ચોક્કસ સંતોષશે.

શ્રીલંકામાં વસતા તમીળ લોકો સમાનતા, ન્યાય, શાંતિ તથા પરસ્પર સન્માનની આશા ધરાવે છે.

લેખકઃ પદમસિંહ, આકાશવાણીના સમાચાર