સંસદનું ગત સપ્તાહ અંગે સમીક્ષા

સંસદના બંને ગૃહો – લોકસભા અને રાજ્યસભામાં ગત સપ્તાહની કામગીરીમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.

વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને લોકસભામાં જણાવ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત – UAEમાં રહેતા આઠ ભારતીયોને અલાયદા રાખવામાં આવ્યા છે.

ઈરાનમાં જમ્મુ અને કાશ્મીર તથા મહારાષ્ટ્રના અગીયારસો ભાવિકો સહિત કુલ છ હજાર ભારતીયો અટવાયા છે. આ લોકોમાં કાશ્મીરના વધુ અને અન્ય સ્થળના 300 જેટલા વિદ્યાર્થીઓ, કેરળ, તમીળનાડુ તથા ગુજરાતના આશરે એક હજાર જેટલા માછીમારો પણ ઈરાનમાં અટવાયા છે.

શ્રી મુરલીધરને ગૃહને જાણકારી આપી હતી કે, ઈરાનમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાની બાબતને અગ્રતા આપવામાં આવી છે. આ હેતુથી ભારતીય તબીબોની છ ટીમો ઈરાન મોકલવામાં આવી છે.

આ ટીમ ત્યાં અટવાયેલા ભારતીયોના સેમ્પલ લઈ ચકાસશે. અત્યાર સુધીમાં એક હજાર 706 ભારતીયોના સેમ્પલ પરિક્ષણ હેતુથી એકત્ર કરાયા છે. ગત 16મી માર્ચ સુધીમાં 205 ભારતીય શ્રદ્ધાળુઓ સહિત 389 ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે.

તબીબી પરિક્ષણો બાદ ઈરાનમાં અટવાયેલાં બાકીના ભારતીયોને પણ ભારત પાછા લાવવામાં આવશે. સત્તાવાળાઓ ઈરાનની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.

બીજા પ્રશ્નના જવાબમાં શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, ગત 26મી ફેબ્રુઆરીએ ભારતે 15 ટન વજનના માસ્ક, હાથમોજા, તબીબી ઉપકરણો ચીનને મદદ તરીકે આપ્યા હતા.

ભારત-ચીન રાજદ્વારી સંબંધોના 70માં વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે મૈત્રી તથા સહસંવેદનાના ભાગરૂપે ભારતે ચીનને આ સહાય આપી છે.

આ ઉપરાંત ભારતમાં વિવિધ રાજ્યોમાં કોવિડ-19ને રોકવા લેવાયેલા પગલાં, તેની સામે લડવાની સજ્જતા વગેરેની સમીક્ષા આરોગ્ય મંત્રી હર્ષવર્ધને મંત્રીઓના જૂથની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

વિદેશમંત્રી એસ.જયશંકર મંત્રીઓના જૂથની આ સમિતીના સભ્ય છે. એવી જ રીતે આરોગ્ય મંત્રાલયે સૂચનો આપવા મસલતકારો પણ નિમ્યા છે.

શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, ગત 8મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગને પત્ર લખીને કોરોના વાયરસના પગલે ચીનમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચીની લોકો સાથે સહસંવેદના વ્યક્ત કરી હતી તેમજ ભારત દ્વારા શક્ય તમામ સહાયની ઓફર પણ કરી હતી.

વિદેશ મંત્રાલયે સંસદમાં જાણકારી આપી હતી કે, ભારતે વિશ્વસમુદાયનો જાતે જ સંપર્ક કરીને જમ્મુ અને કાશ્મીર બાબતે વિગતો આપી હતી.

ભારતે વિશ્વ આલમને નાગરિકત્વ સુધારા ધારામાં સુધારાનો હેતુ પણ સમજાવ્યો હતો.

રાજ્યસભામાં પૂછાયેલા બીજા પ્રશ્નના જવાબમાં શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, ડાયમન્ડ પ્રિન્સેસ ક્રુઝ જહાજમાં કુલ 138 ભારતીય નાગરિકો હતા, આ પૈકી 119 ભારતીય નાગરિકોને ખાસ વિમાન દ્વારા ગત 27મી ફેબ્રુઆરીએ ભારત પાછા લાવવામાં આવ્યા હતા.

તેમણે હરીયાણામાં ભારતીય સેના દ્વારા સંચાલીત માનેસર ખાતેના શિબીરમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.

શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, ચીનના વુહાન અને હુબઈ પ્રાંતમાં કોરોનાના પગલે પરિસ્થિતિ ગંભીર બનતા ત્યાં અટવાયેલા 766 ભારતીયોને સ્વદેશ લાવવા માટે 31મી જાન્યુઆરી તથા 1લી અને 26મી ફેબ્રુઆરીએ ખાસ વિમાન મોકલવામાં આવ્યા હતા.

આ વિમાનમાં આપણા પાડોશી દેશોના જે નાગરિકો પાછા આવવા ઈચ્છતા હતા, તેમને પણ વુહાનથી ભારત લાવવામાં આવ્યા.

આ 43 વિદેશી નાગરિકોમાં બાંગ્લાદેશના 23, માલદીવના 9, મ્યાનમારના બે તેમજ દક્ષિણ આફ્રિકા, માડાગાસ્કર અને અમેરિકાના 1-1 નાગરિકોનો સમાવેશ થાય છે. એવી જ રીતે ભારતીય નાગરિકોની પત્ની કે પતિ હોય તેવા છ ચીની નાગરિકોને પણ ભારત લાવવામાં આવ્યા છે.

શ્રી મુરલીધરને જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 18મી ફેબ્રુઆરી 2020ના રોજ પ્રવાસ અંગે માર્ગદર્શિકા જારી કરાઈ છે.