આફ્રિકા ખંડમાં ચીનના વધતા જતાં મૂડીરોકાણના થનાર પરિણામો અંગે સમીક્ષા

ભારત અને ચીન એશિયામાં ઊભરતી બે સત્તાઓ છે અને તેમના આફ્રિકા ખંડના દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો વર્ષો જૂના રહ્યા છે. જોકે તાજેતરના વર્ષોમાં બંને દેશોની આફ્રિકાના દેશો સાથેના સંબંધોમાં વધુ ઘનિષ્ઠતા જોવા મળે છે. આફ્રિકા ખંડોના દેશોમાં વેપાર અને ઉદ્યોગ માટે સાનૂકુળ વાતાવરણ તૈયાર થયું છે. જોકે ચીને બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ – બી.આર.આઈ. પ્રોજેક્ટ હેઠળ આફ્રિકાના માળખાકીય ક્ષેત્રમાં અસાધારણ મૂડીરોકાણ શરૂ કર્યું છે. 

આફ્રિકાના દરેક દેશો ઉપર આ મૂડીરોકાણમાં અલગ પરિણામો જોવા મળશે. ચીન સરકાર, ચીની બેન્ક અને ચીની કંપનીઓએ વર્ષ 2000 થી 2017 ના સમયગાળામાં આફ્રિકાના માળખાકીય સુવિધા પ્રોજેક્ટોમાં 143 અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે. 

ચીનનો બી.આર.આઈ. પ્રોજેક્ટ એ સંબંધિત દેશો સાથે વેપાર અને ઉદ્યોગ સઘન બનાવવા ઉપરાંત સંબંધિત દેશોમાં તેનું રાજકીય પ્રભુત્વ પણ વધારશે. આ બધાની સાથે સાથે નવા જળમાર્ગો અને સંદેશા વ્યવહારના સાધનો દ્વારા ચીન તેના વ્યૂહાત્મક બંદરોનું પણ પોતાનો પ્રભાવ વધારવા ઉપયોગ કરી રહ્યું છે. ખાસ કરીને પૂર્વ આફ્રિકાના દેશો સાથે ચીન વીજળી મથકો, માછીમારી માટેના બંદરો, રેલવે જેવી સુવિધાઓ વધારી રહ્યું છે. 

ચીને બી.આર.આઈ. પ્રોજેક્ટ હેઠળ દરિયાઈ ક્ષેત્રની યોજનાઓ માટે કેન્યાને પોતાનો મુખ્ય ભાગીદાર દેશ બનાવ્યો છે. ચીન કેન્યાથી દક્ષિણ સુદાન સુધી પાઇપલાઇન યોજના, તેમજ લામુ બંદર અને તેને લગતી માળખાકીય સુવિધાઓ વિકસાવી રહ્યું છે. ચીની કંપનીઓએ બી.આર.આઈ. પ્રોજેક્ટ હેઠળ પૂર્વ આફ્રિકાના અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

ચીનના અન્ય પ્રોજેક્ટોમાં મુમ્બાસાથી નૈરોબી સુધી રેલવે લાઇન નાખવી, તથા અદિસ અબાબાથી દીજીબોટી સુધી ઇલેક્ટ્રીક રેલવે શરૂ કરવી જેવા પ્રોજેક્ટોનું સમાવેશ થાય છે. દીજીબોટી નજીક મધદરિયે ચીને નવું જળબંદર વિકસાવ્યું છે અને ત્યાં નૌકાદળનું બેઇઝ તૈયાર કર્યો છે.

ચીન બી.આર.આઈ. પ્રોજેક્ટ હેઠળ મોટાભાગના આફ્રિકાના દેશોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવે છે પણ તેની આડઅસર રૂપે આફ્રિકાના દેશો ચીનના અપાયેલા ધિરાણના બોજા હેઠળ દબાતા જાય છે. કોવિડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિએ આફ્રિકાના દેશો સામે નવું સંકટ ઊભું કર્યું છે. ચીન દ્વારા અપાતા ધિરાણની વહેંચણી તથા તેના નિયમો અંગે પારદર્શિતા ન હોવાથી એ બાબત ચિંતાનો વિષય છે. શ્રીલંકા અને પાકિસ્તાન આવી જ રીતે ચીનના ધિરાણના બોજા હેઠળ દબાઈ જતા તેમને હમ્બનતોટા અને ગ્વાદર બંદર ચીનને સોંપવા પડ્યા છે. આ બાબતે આફ્રિકાના દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વિશ્લેષકોના મતે ચીન ધિરાણની પરત ચૂકવણી માટે દબાણ કરતું નથી. જ્યારે તે આફ્રિકાના દેશોને ઓછા વ્યાજદરે ધિરાણ પૂરું પાડવા ઉત્સુક છે. તાજેતરમાં મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ ચીને ઝામ્બીયાને તેની તાંબાની ખાણના બદલામાં આર્થિક મદદ કરવાની ઓફર કરી છે. આ બાબત ચીનના આફ્રિકાના દેશો સાથે સંબંધો વધારવા બાબતે શંકા ઊભી કરે છે. 

બીજી તરફ ભારતે તેની વિદેશ નીતિમાં આફ્રિકાને અગ્રતાક્રમ આપ્યો છે. ભારતે આફ્રિકાના દેશોની સહાય કરવાની સાથે સાથે તેમની ક્ષમતામાં વધારો કરવા ઉપર ભાર મૂક્યો છે. ભારતે વર્ષ 2014 થી આફ્રિકાના દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો બહુસ્તરીય બનાવ્યા છે. ભારતે આફ્રિકામાં મૌસમ અને એશિયા આફ્રિકા વિકાસ કોરીડોર શરૂ કર્યા છે. આ બંને પ્રોજેક્ટોના કારણે ભારતના આફ્રિકાના દેશો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ભારત માટે આફ્રિકાના દેશોમાં ઘણો સારો મત છે.