ભારત અને ઈરાનના સંબંધો વધુ મજબૂત બનવાની થયેલી શરૂઆત અંગે સમીક્ષા

ભારતના બે વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓએ એકાદ સપ્તાહમાં ઈરાનની મુલાકાલ લીધી છે. આમ થવાથી ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ફરી મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગયા રવિવારે મોસ્કોમાં યોજાયેલી SCO સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા રશિયા ગયા હતા.

રશિયાથી ભારત આવતી વખતે તેઓ ઈરાનમાં રોકાયા હતા.

ઈરાનના સંરક્ષણ મંત્રી બ્રિગેડીયર જનરલ અમીર હાતામી સાથેની મંત્રણામાં બંને અગ્રણીઓએ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવા તથા પ્રાદેશિક સલામતી અંગે ચર્ચા કરી હતી.

એવી જ રીતે વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મોસ્કોમાં SCOની બેઠકમાં હાજરી આપતી વખતે માર્ગમાં આવતા ઈરાનમાં રોકાણ કર્યું હતું.

શ્રી જયશંકરે ઈરાનના વિદેશમંત્રી મહંમદ જાવેદ ઝરીફ સાથે ફળદાયી મંત્રણા કરી હતી.

બંને પક્ષોએ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા બાબતે મંત્રણા કરી હતી.

અગાઉ ડિસેમ્બર 2019માં યોજાયેલી ભારત-ઈરાન સંયુક્ત પંચની બેઠકમાં હાજરી આપવા માટે વિદેશમંત્રી જયશંકર ઈરાન ગયા હતા.

એવી જ રીતે ઈરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે 2020માં ભારતમાં યોજાયેલી રાયસીના સંવાદ બેઠકમાં હાજરી આપી હતી.

કોવીડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જાહેર કરાયેલ લોકડાઉનને દૂર કરવાની પ્રક્રિયા બાદ શ્રી જયશંકરની વિદેશની આ પ્રથમ મુલાકાત છે.

આ બાબત દર્શાવે છે કે, ભારત અને ઈરાન દ્વિપક્ષીય સંબંધો સાચવવાને કેટલું મહત્વ આપે છે.

ખાસ કરીને અમેરિકાએ ઈરાન ઉપર દબાણ વધાર્યું છે, ત્યારે ભારત અને ઈરાનના અગ્રણીઓની મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે.

એવી જ રીતે ઈરાન અને ચીને પણ તેમના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

ચીને ઈરાનમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવાનું વચન આપીને ઈરાનને બેલ્ટ એન્ડ રોડ ઈનીશીએટીવમાં જોડવવા આમંત્રણ આપતા ચીન તથા ઈરાન વચ્ચેના સંબંધો ફરી મજબૂત બનવા લાગ્યા છે.

ભારત અને ઈરાને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતચીત કરવા ઉપરાંત અફઘાનિસ્તાનમાં સ્થીરતા લાવવા અંગે પણ મંત્રણા કરી હતી.

અમેરિકાએ ઈરાન સાથે શસ્ત્રો મોકલવા ઉપરનો મુકેલો પ્રતિબંધ ઓક્ટોબરમાં પૂરો થવામાં છે, ત્યારે ભારતના બે નેતાઓની મુલાકાત પણ આગવું મહત્વ ધારણ કરે છે.

ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના સંબંધો છે અને ઘણા વર્ષોથી તે ધીરે ધીરે મજબૂત બની રહ્યા છે.

તાજેતરમાં ચાબહાર બંદર અને ચાબહાર ઝહેદાન રેલવે માર્ગ જેવા માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો સંયુક્ત રીતે હાથ ધરાયા છે.

ગયા મહિને ભારતના ઈરાન ખાતેના રાજદૂતને ઈરાનના નાયબ પ્રધાનમંત્રીએ ચર્ચા માટે બોલાવ્યા હતા.

બંને આગેવાનોએ ચાબહાર-ઝહેદાન રેલવે માર્ગ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.

અમેરિકાએ ઈરાન સામે પ્રતિબંધો મૂક્યા હોવાથી ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય વેપારને ઘણી અસર થઈ છે.

આમ છતાં ભારત અને ઈરાન બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ સઘન બનાવવા પ્રતિબદ્ધ છે.

ભારત માટે ઈરાન દ્વિપક્ષીય વેપાર ઉપરાંત અફઘાનિસ્તાન તથા મધ્ય એશિયા સાથેના વેપાર માટે પણ ઉપયોગી ભાગીદાર દેશ છે.

એવી જ રીતે ઈરાનના ઉત્પાદનો માટે ભારત સારી બજાર પૂરી પાડે છે તથા ભારત ઈરાનથી ખનિજતેલ માટેનો પણ ગ્રાહક દેશ છે.

હાલમાં વૈશ્વિક રાજકારણના ભાગરૂપે અમેરિકા, રશિયા તથા ચીન-મધ્ય એશિયામાં ઘણા સક્રિય બન્યા છે.

આમ થવાથી ઈરાનના બીજા દેશોના સંબંધો ઉપર ઘણી અસર થઈ છે.

તાજેતરના સમયમાં કોવીડના લીધે પણ વેપાર ક્ષેત્ર ઉપર ઘણી અસર થઈ છે.

ભારતના બે વરિષ્ઠ મંત્રીઓએ ઈરાનની મુલાકાત લેતાં કોવીડને લગતા નિયંત્રણો હળવા બનવામાં મદદ મળી છે.

આ જ બાબત ભારત ઈરાનને કેટલું મહત્વ આપે છે તે પુરવાર કરે છે.

 

 

શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

લેખક – સિંગાપુર યુનિવર્સિટીના વરિષ્ઠ ફેલો ડોક્ટર અસીફ શુજા