ભારતના ખેડૂતોની કામગીરીને બિરદાવતા પ્રધાનમંત્રી અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતોએ નોંધપાત્ર કામગીરી કરી હતી. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીનો પાયો મજબૂત હશે, તો આત્મનિર્ભર ભારત પણ મજબૂત બનશે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ખેતી ક્ષેત્ર ઘણાં નિયંત્રણોમાંથી મુક્ત બન્યું છે. 

તેમણે હરિયાણાના કંવર ચૌહાણ ખેડૂતનું ઉદાહરણ આપ્યું હતું. કંવર ચૌહાણને વર્ષ 2014 સુધી પોતાના ખેતરમાં ઉત્પાદીત શાક તથા ફળોનું મંડીની બહાર વેચાણ કરવામાં તકલીફ પડતી હતી, પણ શાક તથા ફળોને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્ત કરાયા બાદ તેને ઘણો લાભ થયો.

તેમણે બીજા ખેડૂતોની સાથે મળીને ખેત પેદાશ સંસ્થાની રચના કરી છે અને આ સંગઠન મકાઈની ખેતી કર્યા બાદ તેનું વેચાણ દિલ્હીની આઝાદપુર મંડીમાં પણ કરે છે. આમ કરવાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો પોતાની કૃષિ ઉપજોને દેશના કોઈપણ ખૂણામાં વેચી શકે છે.

આ બાબત તેમના પ્રગતિનો પાયો બની રહેશે. ફળ અને શાકભાજીને એ.પી.એમ.સી. ધારામાંથી મુક્તિ અપાયા બાદ મહારાષ્ટ્રની ખેત ઉત્પાદન સંસ્થાને થયેલા લાભની વાત પણ શ્રી મોદીએ કરી હતી. તેમણે કહ્યું કે, મુંબઈ અને પુણેના ખેડૂતો સાપ્તાહિક બજારોમાં તેમની કૃષિ ઉપજોનું કોઈપણ વચેટિયા વગર વેચાણ કરી શકે છે.

તેમણે તમિલનાડુની બનાના ફાર્મર પ્રોડ્યુસ કંપનીની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં આ કંપનીએ આજુબાજુના ગામોમાંથી હજ્જારો ટન ફળ, શાકભાજી તથા ફળોની ખરીદી કરીને આ ઉપજોને ચેન્નાઈના બજારો સુધી પહોંચાડી હતી.

એવી જ રીતે લખનઉના ખેડૂતોના સહકારી સંગઠને પણ આસપાસના ગામોથી શાક, ફળ રૂપી કૃષિ ઉપજોને લખનઉ શહેર સુધી પહોંચાડી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવી ટેકનોલોજી તથા નવકલ્પનાની મદદથી ખેતી ક્ષેત્રનો વિકાસ હજી ઝડપી બની શકે છે.

તેમણે ગુજરાતના ઇસ્માઇલભાઈનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કુટુંબીજનોએ ના કહી હોવા છતાં ઇસ્માઇલભાઈએ ખેતીને વ્યવસાય તરીકે અપનાવી હતી. તેમણે ટપક સિંચાઈ પધ્ધતિથી ઉચ્ચ ગુણવત્તાવાળા બટાકાનું ઉત્પાદન મેળવ્યું હતું. હવે તેઓ આ બટાકા વચેટીયા વગર મોટી કંપનીઓને વેચીને સારો નફો મેળવી રહ્યા છે.

મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ભારતની શ્રેષ્ઠ વાર્તાકથનની પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, પંચતંત્ર અને હિતોપદેશ જેવા શ્રેષ્ઠ ગ્રંથો પણ ભારતની વાર્તાકથનની પરંપરાના આદર્શ ઉદાહરણ છે. તમિલનાડુ અને કેરળમાં પ્રાચીનકાળથી ધાર્મિકકથા સંભાળવવાની વીલુ પટ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આ પરંપરામાં કથાકથન તથા સંગીતનું આગવું મિશ્રણ હોય છે.

તેમણે કહ્યું કે, હાલના સમયમાં વિજ્ઞાન કથાઓની નવી પરંપરા વિકસી રહી છે અને લોકપ્રિય બની રહી છે. પ્રધાનમંત્રીએ આઈ.આઈ.એમ. ના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી અમર વ્યાસ દ્વારા ગાથાસ્ટોરી – ડોટ – ઇન વેબસાઇટની મદદથી તથા મહારાષ્ટ્રમાં વૈશાલી વ્યવહારે દ્વારા વાર્તાકથન સ્વરૂપને પ્રોત્સાહન આપવા થઈ રહેલી કામગીરીની વિગતો જણાવીને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ વાર્તાકથનની પરંપરા જાળવતા બધા જ લોકોને આ માધ્યમથી દેશહિતના કાર્યો કરનાર મહાન વ્યક્તિત્વોનો પરિચય આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, વાર્તા કહેવાની પરંપરાનું દરેક ઘરમાં જતન થવું જોઈએ.