ભારત અને મ્યાનમારના મજબૂત બનતા સંબંધો  અંગે સમીક્ષા

ભારતે અપનાવેલી પાડોશી દેશો પહેલાં તેમજ પૂર્વના દેશો તરફની નીતિના આધારે ભારત મ્યાનમાર સરકારના ટોચના અધિકારીઓ અને સેનાના અધિકારીઓ સાથે સારા સંબંધોને અગ્રતા આપી રહ્યું છે. આના ભાગરૂપે જ આર્થિક  અને સલામતી બાબતોના સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિ છતાં લશ્કરના વડા જનરલ એમ. એમ. નરવણે અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મ્યાનમારની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતોએ તાજેતરના વર્ષોમાં બંધાયેલા અને મજબૂત બનતા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની તક પૂરી પાડી હતી. બંને દેશોએ આર્થિક અને સલામતી ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથે સાથે પ્રાદેશિક સ્તરે ઉપયોગી આશિયાન અને બીમસ્ટેક જેવા સંગઠનોમાં સહકાર વધારવાની શરૂઆત કરી છે.

ભારત અને મ્યાનમાર બંને દેશો આતંકવાદની સમસ્યાથી પીડાય છે. એ બાબત ધ્યાનમાં લેતાં વિદેશ સચિવની મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે. મ્યાનમારના અગ્રણીઓએ પણ ભારતના અધિકારીઓની આ મુલાકાતને મહત્વ આપ્યું હતું. મ્યાનમારના કાઉન્સિલર ડો આંગ સાન સૂકી, અને સલામતી સેવાના વડા જનરલ મીન ઓન્ગ હેલિંગે ભારતથી આવેલા બંને અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો વધુ આગળના સ્તરે લઈ જવાની ચર્ચા કરી હતી.

બંને દેશોના અધિકારીઓએ મ્યાનમારમાં વિવિધ ક્ષેત્રમાં માળખાકીય સુવિધા વિકાસની યોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત આશરે દોઢ અબજ અમેરિકી ડોલરની કિંમતે આ પ્રોજેક્ટો મ્યાનમારમાં હાથ ધરી રહ્યું છે. કોલકાતાને મ્યાનમાર દ્વારા બેંગકોક સુધી જોડવાનો તેમજ કલદાન મલ્ટિમોડેલ ટ્રાન્ઝીટ ટ્રાન્સપોર્ટ આ બે મહત્વની યોજનાઓનો સમાવેશ થાય છે.

આ બંને પ્રોજેક્ટો પૂરા થતાં ભારત અને મ્યાનમારના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે. બંને પક્ષોએ રખાઈન રાજ્ય વિકાસ કાર્યક્રમમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત વખતે વિદેશ સચિવ શ્રૃંગલાએ સોફ્ટવેર વિકાસ માટેનું કેન્દ્ર અને તાલિમ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું.

બંને દેશોએ સરહદે સલામતી અને સ્થિરતા જાળવી રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ બંને દેશોએ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પોતાની જમીન ઉપર ચાલવા નહીં દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વિવિધ બળવાખોર જૂથોના બાવીસ જણાને મ્યાનમારે ભારતને સોંપ્યા હતા. આ બાબતની ભારતે પ્રશંસા કરી હતી. વિદેશ સચિવ અને સેનાના વડાએ પાડોશી દેશને મદદરૂપ થવા કોવિડ સામેની લડતમાં ઉપયોગી ત્રણ હજાર, રેમડેસિવીરનો જથ્થો મ્યાનમારને સોંપ્યો હતો. આ દવા મ્યાનમારમાં કોરોનાથી અસરગ્રસ્તોને સારવારમાં ઉપયોગી નિવડશે.

વિદેશ સચિવે કોવિડની રસી જ્યારે પણ ઉપલબ્ધ થશે ત્યારે મ્યાનમારને આપવામાં અગ્રતા અપાશે તેમ સંકેત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત મ્યાનમાર અને બાંગ્લાદેશને વિસ્થાપિત થયેલા લોકો પોતાના મૂળ સ્થાને પાછા ફરે તે હેતુથી આર્થિક અને માલસામાન સ્વરૂપે મદદ કરી રહ્યો છે.

ભારત અને મ્યાનમારે તાજેતરના વર્ષોમાં ઉર્જા ક્ષેત્રે પોતાના સંબંધો મજબૂત બનાવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત ફેબ્રુઆરી માસમાં મ્યાનમારની મુલાકાત લીધી હતી ત્યારે બંને દેશોએ પેટ્રોલિયમ પદાર્થો બાબતે સહકાર કરવાની સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોએ ઊર્જા ક્ષેત્રના સહકારને માર્ગદર્શન આપવા સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી છે. જેની બેઠક આ વર્ષે જૂન માસમાં યોજાઈ ગઈ. સરહદ પારનો વેપાર મજબૂત બનાવવા ભારતે મિઝોરમ અને મ્યાનમાર વચ્ચે 20 લાખ અમેરિકી ડોલરના અનુદાનથી હાટ બ્રીજ બનાવવાની જાહેરાત કરી છે.

લેખક : રણજીત કુમાર વરિષ્ઠ પત્રકાર