કોવિડ કાળમાં ઇસરોએ છોડેલા પ્રથમ ઉપગ્રહ વિષય પર સમીક્ષા

કોવિડ રોગચાળાની પ્રવર્તમાન સ્થિતિમાં ઇસરોએ 2020 નો તેનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. શ્રી હરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રમાંથી છોડાયેલા પ્રથ્વી અવલોકનના EOS-01 ઉપગ્રહ સાથે ત્રણ દેશોના નવ વ્યવસાયિક ઉપગ્રહો પણ અવકાશમાં તરતા મૂકાયા છે. આ વિદેશી ઉપગ્રહોમાં લીથુનીયાના પ્રાયોગિક ઉપગ્રહ, લક્સમબર્ગના ચાર દરિયાઈ એપ્લીકેશન ઉપગ્રહ, અમેરિકાના ચાર રીમોટ સેન્સિંગ ઉપગ્રહોનો સમાવેશ થાય છે.

ઇસરોના PSLV—C-49 લોન્ચ વ્હીક્લથી મદદથી આ તમામ ઉપગ્રહો તેની નિર્ધારિત ભ્રમણકક્ષામાં તરતા મૂકાયા છે. ગતવર્ષે 11 ડિસેમ્બરે ઇસરોએ PSLV-C-48 લોન્ચ રોકેટની મદદથી પૃથ્વી અવલોકનના ઉપગ્રહને અવકાશમાં તરતો મુકાયા બાદ ઇસરો દ્વારા આ પ્રથમ ઉપગ્રહ અવકાશમાં પ્રક્ષેપિત કરાયો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં ઇસરોએ સંચાર ઉપગ્રહ GSAT-30 અવકાશમાં તરતો મોકાયો હતો પણ તે ફ્રેન્ચ ગુનીયાના એરિયન રોકેટથી અવકાશમાં મોકલયો હતો. ત્યારબાદ કોરોના રોગચાળાના પગલે ઉપગ્રહ છોડવાનું આયોજન ખોરવાઈ ગયું હતું. ઇસરોએ 2020 – 2021 માં 20થી વધુ ઉપગ્રહ છોડવાની યોજના બનાવી હતી, જેમાં આદિત્ય L1, ગગનયાન તથા પૃથ્વી અવલોકનના કેટલાંક ઉપગ્રહોનો સમાવેશ થાય છે.

630 કિલો વજનના EOS-01 પૃથ્વી અવલોકન ઉપગ્રહથી કૃષિ, જંગલો અને આપત્તિ વ્યવસ્થાપનમાં મદદ મળશે. EOS-01 તમામ વાતાવરણમાં કામ કરી શકતું રડાર ઇમેજિંગ ઉપગ્રહ છે તે RISAT-2B અને RISAT-2BR1 ઉપગ્રહો સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત તે સરહદ પર દેખરેખ રાખવામાં ઘુસણખોરોને અટકાવવામાં તથા આતંક વિરોધી કાર્યવાહીમાં મદદરૂપ થશે.

ઇસરોના વડા ડોક્ટર કે. સિવાને આ મિશનને ખાસ ગણાવ્યું છે. કારણ કે, હાલની કોરોનાની પરિસ્થિતિમાં પણ દરેક એન્જિનિયર, વૈજ્ઞાનિકો તથા કર્મચારીઓએ કેન્દ્ર અને લેબમાં આવી કાર્ય કર્યું છે. જોકે તમામ પ્રક્રિયા દરમિયાન તેઓની સુરક્ષા અને આરોગ્યનું વિશેષ ધ્યાન રખાયું હતું. આ સફલ પ્રક્ષેપણથી PSLV- રોકેટની વિશ્વસનિયતા વધુ એકવાર પ્રસ્થાપિત થઈ છે. કુલ 51 લોન્ચમાંથી PSLV- માત્ર ત્રણ વખત નિષ્ફળ નીવડ્યું છે. બાકી 48 વખત તેના દ્વારા સફળપૂવર્ક પ્રક્ષેપણ કરાયું છે. PSLV દ્વારા 2008 માં ભારતના પ્રથમ ચંદ્ર અભિયાન, ચંદ્રયાન-1 અને 2013 માં મંગળ મિશન માટેના મંગળ ઉપગ્રહ પણ સફળતાપૂર્વક તરતા મૂકાયા હતા.

PSLV ના સફળ અભિયાનોને જોતાં ઇસરો છેલ્લાં કેટલાંક વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય દેશોના ઉપગ્રહને લોન્ચ કરવાની સુવિધા આપી રહ્યું છે. અત્યાર સુધીમાં PSLV ની મદદથી 27 લોન્ચ દ્વારા 33 દેશોના 319 વિદેશી ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકાયા છે. આ દેશોમાં Algeria, Argentina, Austria, Belgium, Canada, Denmark, France, Germany, Indonesia, Israel, Italy, Japan, Lithuania, Luxembourg, The Netherlands, Republic of Korea, Singapore, Switzerland, Turkey, United Kingdom, the United States નો સમાવેશ થાય છે. ઉપગ્રહ લોન્ચની વધતી જતી માંગને પહોંચી વળવા ઇસરોએ ઉપગ્રહના એસેમ્બલિંગ, ઇન્ટીગ્રેશન અને ટેસ્ટિંગ માટે ત્રણ ખાનગી કંપની સાથે કરાર કર્યા છે. આનાથી ખાનગી ઉદ્યોગો દ્વારા ઉપગ્રહ વિકસવાવાનો માર્ગ ખૂલ્લો થશે. હાલમાં ઇસરો દર વર્ષે 12થી 18 ઉપગ્રહ વિકસાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઇસરો હવે ભારતની ધરતી પરથી ભારતીયોને લઈ અવકાશ જતા ઉપગ્રહ માટેની તૈયારીઓ કરી રહ્યું છે. 2022 માં ભારતના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા પૂર્વે પ્રથમ ભારતીય ક્રૂ અવકાશમાં જાય તેવું આયોજન કરાયું છે.

ઇસરોએ અત્યાર સુધી મેળવેલી સફળતા જોતાં આ ધ્યેય પણ સિધ્ધ થશે તેવી ખાતરી છે.

લેખક – બીમન બાસુ