રીયાધે યોજેલી જી-વીસ દેશોની વાર્ષિક બેઠક અંગે સમીક્ષા

સાઉદી અરેબીયાએ ગયા અઠવાડીયે જી-વીસ દેશોની શિખર બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં થયેલી ચર્ચાએ એ બાબત પુરવાર કરી હતી. કે, 21મી સદીમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે, તેમજ આ સદીના સંભવીત પડકારોને પહોંચી વળવા માટે બહુસ્તરીય રીતે તથા સંકલન સાધીને સહિયારા પ્રયાસો કરવાની તાતી જરૂર છે. એટલું જ નહીં પણ આપણી પૃથ્વીની સલામતી ધ્યાનમાં લેતા વિકાસ સાધવા માટે બધા જ લોકોને અધિકાર સંપન્ન બનાવવા જરૂરી છે.

વિશ્વમાં કોવિડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ ધ્યાનમાં લેતા આ વખતની જી-વીસ દેશોની શિખર બેઠક વિડિયોના માધ્યમથી યોજાઇ હતી.

આ વર્ષે ગત માર્ચમાં યોજાયેલી જી-વીસ દેશોની અસાધારણ બેઠક બાદ કોવિડના સંક્રમણને ટાળવા આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા વૈશ્વિક સ્તરે આરોગ્ય સેવા વધારવા આર્થિક સહાય, રસી બનાવવી જેવી કામગીરીમાં જી-વીસ સંગઠનના સભ્ય દેશોએ કરેલા પ્રયાસોને આ વખતની બેઠકમાં બિરદાવવામાં આવ્યા હતા.

આ વખતની જી-વીસ દેશોની બેઠકમાં ભારત જેવા દેશોએ બધા લોકોને વાજબી ભાવે અને સમાનતાના ધોરણે કોવિડની રસી મળે તે જોવા કરેલી દરખાસ્તને શરતી મંજુરી મળી હતી. આના લીધે કોવેક્સ સુવિધાની જેમ રસીની બૌદ્ધિક સંપદાને સ્વૈચ્છિક રીતે લાયસન્સની શકયતાની તક મળી છે.

જો કે આ પ્રકારે રસીનો લાભ અન્યને આપતી વખતે બૌદ્ધિક સંપદાના અધિકાર જાળવવાની જી-વીસ સંગઠનની પ્રતિબદ્ધતાની નીતિ જાળવવાનો પણ નિર્ણય લેવાયો છે. બેઠકમાં નોંધ લેવાઇ હતી કે, કોવિડના પગલે અર્થતંત્ર ઉપર થઇ રહેલી અસરને ઓછી કરવા જી-વીસ દેશોએ કરેલા પ્રયાસો પાછળ 11 ટ્રિલીયન ડોલરનો ખર્ચ થયો છે.

આમાં ભારતે GDPના દસ ટકા જેટલા ખર્ચની ફાળવણીનો પણ સમાવેશ થાય છે. કોવિડના રોગચાળાના પગલે કેટલાક દેશોએ આરોગ્ય ક્ષેત્રે નિયંત્રીત પગલાં ફરીથી અમલમાં મૂકયા છે.

ભારતે તાજેતરમાં બહુસ્તરીય સુધારાની તરફેણ કરી છે. જી-વીસની બેઠકમાં આ પ્રયાસોનો સ્વીકાર કરીને વિશ્વ આરોગ્ય સંસ્થા WHOને વધુ કાર્યક્ષમ બનાવવા વિશ્વ સમુદાયના સાથ સહકારમાં પ્રયાસ કરાવીને દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય વેપારમાં 85 ટકા હિસ્સો ધરાવતા જી-વીસ દેશોએ તેમના બજારો ખુલ્લા રાખવાનો તથા વિશ્વ વેપાર સંસ્થા WHOમાં પણ સુધારો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આંતરરાષ્ટ્રીય નાંણા ભંડોળ IMFના વહિવટમાં સુધારો કરવા અને આ કામગીરીની 15મી ડિસેમ્બર 2023ના રોજ સમીક્ષા કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવાયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-વીસ દેશોની બેઠકમાં સંબોધન કરતી વખતે કોવિડે વિશ્વ સામે ઉભા કરેલા પડકારને બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો. તેમણે કોવિડ પછીના સમયગાળામાં વૈશ્વિકસ્તરે પ્રતિભાઓની સૂચી બનાવવી વહિવટમાં પારદર્શકતા, પૃથ્વીના સંસાધનોના ઉપયોગ કરતી વખતે ટ્રસ્ટીપણાની ભાવના તથા ટેકનોલોજીના લાભ સમાજના બધા જ વર્ગો સુધી પહોંચે – આ ચાર માપદંડોના આધારે નવો વૈશ્વિક સૂચકાંક નિર્ધારીત કરવાનો અનુરોધ કર્યો.

શ્રી મોદીએ કહ્યું કે, માથાદીઠ કાર્બન ફૂટપ્રીન્ટના આધારે તૈયાર કરાયેલો આ સૂચકાંક નવા વિશ્વનો પાયો બનશે. બેઠકના બીજા દિવસે પ્રધાનમંત્રીએ આબોહવામાં પરિવર્તનના મુદ્દા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા જી-વીસ દેશોને અપીલ કરી હતી.

પેરીસ સમજૂતી હેઠળ નિર્ધારીત કામગીરી નિર્ધારીત સમય કરતા વહેલી પૂર્ણ કરવી 88 દેશોના સભ્ય દેશોવાળા આંતરરાષ્ટ્રીય સૂર્ય ઉર્જા જૂથની રચના જેવા પગલાઓને ભારતે પર્યાવરણના રક્ષણની ચિંતા સાથે લેવાયેલા પગલાં તરીકે ઓળખાવ્યા છે.

આ બેઠકમાં સંપર્કની મહત્વની ભૂમિકા ડિજીટલ ટેકનોલોજી અને રોગચાળાને નાબૂદ કરવાની નીતિ મજબૂત બનાવવી જેવા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી.

ભારતે જી-વીસ સંગઠનનું વર્ચ્યુઅલ સચિવાલય તૈયાર કરવા પોતાની પાસેના IT ક્ષેત્રના કુશળ માનવબળની મદદ આપવાની તત્પરતા બતાવી. આગામી 2021માં જી-વીસ દેશોની બેઠક ઇટાલીના અધ્યક્ષપદે યોજાશે.

 

લેખક– રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભૂતપૂર્વ પ્રતિનિધિ અશોકકુમાર મુખરજી