સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં 8મી મુદતનો પ્રારંભ કરતા ભારત અંગે સમીક્ષા

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ભારતે પહેલી જાન્યુઆરીથી બે વર્ષ માટે સભ્ય તરીકે 8મી મુદતનો પ્રારંભ કર્યો છે.

વર્ષ 1950થી રાષ્ટ્રસંઘની મહાસભામાં ભારત દરેક વખતે લગભગ બે તૃતિયાંશ મતોથી ચૂંટાતું આવ્યું છે.

આની સરખામણીએ રાષ્ટ્રસંઘની સલામતી  પરિષદના કાયમી સભ્યોને પણ મહાસભામાં આટલા મોટા પ્રમાણમાં મતદારોનું સમર્થન ક્યારેય મળ્યું નથી.

રાષ્ટ્રસંઘની સલામતી પરિષદ કેવી રીતે નિર્ણય લેશે, તેના ઉપર ભારતનો આ પરિષદ ઉપર કેટલો પ્રભાવ પડશે, તે બાબત નિર્ધારિત થશે.

કારણ કે, સલામતી પરિષદના પાંચ કાયમી સભ્યો પાસે વિટો પાવર રહેલો છે. અને તેમણે વર્ષ 1946થી અત્યાર સુધીમાં 293 વખત વિટોનો ઉપયોગ કરીને મહત્વના નિર્ણયોને અસર પહોંચાડી છે.

વીટો પાવરની ગંભીર અસરથી ઘણી વખત માનવી જીવન ગુમાવવાની પણ ઘટનાઓ બની છે.

તાજેતરમાં જ વર્ષ 2020ની શરૂઆતમાં અમેરિકા અને ચીન વચ્ચે ઊભી થયેલી મડાગાંઠના લીધે કોવિડ અંગેના ઠરાવને બહાલી મળી શકી નથી.

આમ, વીટોની સત્તા ધરાવતી વિશ્વની પાંચ મહાસત્તાઓનો પ્રભાવ હોવા છતાં ભારત પોતાના હિતોની જાળવણી કેવી રીતે કરે છે, તે બાબત વાસ્તવમાં ભારતની અગ્નિપરીક્ષા સમાન બની રહેશે.

એવી જ રીતે વિશ્વની મહાસત્તા બનવાની દેશની આકાંક્ષા ઉપર પણ આ બનાવની અસર રહેશે.

રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ચૂંટાતી વખતે ભારતે ત્રણ અગ્રતાના મુદ્દાઓ રજૂ કર્યા હતા.

જેમાં, સલામતી પરિષદમાં ઠરાવની મદદથી આતંકવાદનો સાથે મળીને સામનો કરવો, રાષ્ટ્રસંઘના શાંતિરક્ષક દળોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો, તથા માનવીય અભિગમ સાથે ટેકનોલોજીનો ઉપયોગ – આ ત્રણ અગત્યના મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.

ભારત જ્યારે બે વર્ષ માટે સલામતી પરિષદનું સભ્ય બન્યું છે. ત્યારે આ ત્રણેય મુદ્દાઓના વાસ્તવિક અમલમાં ભારતની ક્ષમતાની ચકાસણી પણ થશે.

ભારત, રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ચૂંટાયું તે ચૂંટણીમાં અફઘાનિસ્તાને ભારતને સમર્થન આપ્યું હતું.

ભારત અફઘાનિસ્તાનના વિકાસમાં મદદ કરતો હોવાથી, સલામતી પરિષદમાં ઠરાવ અંગે ચર્ચા કરતી વખતે ભારતે, અફઘાનિસ્તાનની ચિંતાને હંમેશાં ધ્યાનમાં લેવી પડશે.

તો બીજી તરફ સલામતી પરિષદના પાંચ કાયમી સભ્યોનું વલણ, ભારતને તેની અપેક્ષા મુજબ સફળતા મળવામાં અગત્યનું બની રહેશે.

શાંતિ સલામતી અને વિકાસ વચ્ચેના જોડાણને વૈશ્વિક સ્વીકૃતિ મળતા, ભારત રાજદ્વારી સહકારી વધારીને રાષ્ટ્રસંઘની શાંતિરક્ષણની કામગીરીમાં પોતાની ભૂમિકા વધારી શકશે.

ભારત, એશિયા અને આફ્રિકામાં રાષ્ટ્રસંઘના શાંતિરક્ષક દળોની મદદથી વહીવટીસંસ્થાઓ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે.

ડીજીટલ ટેકનોલોજીની મદદથી માનવીને અધિકાર સંપન્ન બનાવવા તથા વિકાસને ગતિ આપવામાં ભારતના બહોળા અનુભવના લીધે, આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ, સલામતી અને વિકાસમાં માહિતી અને ટેકનોલોજીની ભૂમિકા અંગેની રાષ્ટ્રસંઘમાં થનારી ચર્ચામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકશે.

ભારતે વર્ષ 2030 સુધીમાં સાતત્યપૂર્ણ વિકાસ માટે સર્વગ્રાહી વલણ અપનાવવાની તરફેણ કરી છે.

જોકે, રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના પાંચ કાયમી સભ્યો એવી વિશ્વની મુખ્ય સત્તાઓ સાયબર સલામતીના મુદ્દે અલગ અલગ વલણ ધરાવે છે.

આના લીધે સાતત્યપૂર્ણ વિકાસના મુદ્દા સાથે સાકાર થઈ રહેલા ડીજીટલ વિશ્વમાં પાંચ મુખ્ય દેશો વચ્ચે વૈચારિક મતભેદો વધે તેવી પણ શક્યતા છે.

ભારત એશિયા- પ્રશાંત મતવિસ્તારમાંથી ચૂંટાયું હોવાથી ભારત આ ક્ષેત્રના મુદ્દે રાષ્ટ્રસંઘમાં સક્રિય રહેશે.

આ ક્ષેત્રના મુદ્દાઓમાં અફઘાનિસ્તાન, ઇરાન, યમન, સિરીયા, અને પેલેસ્ટાઇનના પ્રશ્નોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં રાષ્ટ્રસંઘમાં કરેલા ત્રણ સંબોધનમાં તેમણે રાષ્ટ્રસંઘમાં બહુસ્તરીય સુધારાઓની હંમેશાં તરફેણ કરી છે.

વિશ્વમાં શાંતિ અને સલામતી સામેના બહુપરિમાણીય પડકારોને પહોંચીવળવા રાષ્ટ્રસંઘમાં સુધારાની તત્કાળ જરૂર છે. તેવા ભારતના વલણને પુરવાર કરવા, ભારતે રાષ્ટ્રસંઘમાં પ્રત્યક્ષ કામગીરીની મદદથી પોતાની વાત પુરવાર કરવી પડશે.

શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર

લેખક – અશોકકુમાર મુખરજી,
રાષ્ટ્રસંઘ ખાતેના કાયમી પ્રતિનિધિ