પરસ્પર સંવેદનશીલ અભિગમ ઉપર આધારિત, ભારત-શ્રીલંકા વચ્ચેની ભાગીદારી અંગે સમીક્ષા

ભારતના વિદેશમંત્રી ડો.જયશંકરે, શ્રીલંકાના વિદેશમંત્રીના આમંત્રણના પગલે તાજેતરમાં શ્રીલંકાની બે દિવસની સત્તાવાર મુલાકાત લીધી હતી. 

શ્રી જયશંકરની વર્ષ 2021ની આ પ્રથમ વિદેશયાત્રા હતી. શ્રી જયશંકરે, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ ગોતાબાયા રાજપકસેને મળીને તેમની સાથે મંત્રણા કરી હતી. 

આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપકસે વિદેશમંત્રી દિનેશ ગુણવર્દને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી – ડગલસ દેવનંદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસીંઘે, વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસા, તમીળોના અગ્રણીઓ તથા શ્રીલંકાના વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કર્યો હતો. 

શ્રી જયશંકરની શ્રીલંકાની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વિપક્ષીય સંબંધોને લગતા બધા જ મુદ્દાઓ અંગે સઘન ચર્ચાવિચારણા કરવાનો હતો. 

ભારત અને શ્રીલંકા વચ્ચે વિવિધ ક્ષેત્રે થયેલા સમજૂતી કરારમાં થઈ રહેલો વિલંબનો મુદ્દો ચર્ચામાં અગ્રસ્થાને રહ્યો હતો. 

ભારતના વિદેશમંત્રીએ ઉર્જા, માળખાકીય સુવિધાઓ, સંપર્ક જેવા ક્ષેત્રે થયેલા પ્રોજેક્ટોના ઝડપી અમલ ઉપર ભાર મૂક્યો હતો. 

તેમણે કહ્યું કે, આમ થવાથી બંને દેશોના અર્થતંત્રની ગતિ ઝડપી બનશે. 

શ્રીલંકાના વિદેશમંત્રી સાથેની મંત્રણા બાદ શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, પ્રવાસન તથા દવા ઉદ્યોગ ક્ષેત્રો સહિત ઘણા ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારવાની ઉજળી તકો રહેલી છે. 

વિદેશમંત્રી જયશંકરે કોલંબો બંદરે, પૂર્વ કન્ટેઇનર ટર્મિનલ – ECT વિકસાવવા બાબતે પણ ચર્ચા કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની અગાઉની સરકારના શાસનકાળમાં કોલંબો બંદર  ખાતે ECT વિકસાવવાના મુદ્દે ભારત, શ્રીલંકા અને જાપાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી સધાઈ હતી. 

ભારતના શ્રીલંકા સાથેના વેપારમાં 60થી 70 ટકા હિસ્સો, કોલંબો બંદરે જહાજવડે ચીજવસ્તુઓ મોકલવાના સ્વરૂપનો હોવાથી કોલંબો બંદરે ECT વિકસાવવામાં ભારતને રસ હોવો સ્વાભાવિક છે. 

ભારતે, શ્રીલંકા સાથે સામાજિક સમુદાયના વિકાસ, તથા માનવ સંશાધન ક્ષેત્રે કરેલી ભાગીદારીથી શ્રીલંકાના અદના નાગરિકોને ઘણો લાભ થયો છે. 

શ્રીલંકાના અગ્રણીઓ સાથેની વાતચીતમાં શ્રી જયશંકરે, ભારત – શ્રીલંકા સાથે કૃષિ ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, તથા શહેરી ક્ષેત્રના નિકાસ જેવા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા તત્પર હોવાનું જણાવ્યું હતું. 

તેમણે શ્રીલંકાના દરિયાઇ ક્ષેત્રની સલામતી અંગે વધતા પડકારોને પહોંચી વળવા ભારત જરૂરી સહકાર કરવા તત્પર હોવાનું જણાવ્યું હતું. 

શ્રી એસ. જયશંકરે કોવિડના રોગચાળાના સમયમાં તથા તે પછીના સમયગાળામાં આરોગ્ય ક્ષેત્રે સહકાર ચાલુ રાખવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. 

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મુખ્ય વણઉકેલ્યા મુદ્દાઓ – ભારત – શ્રીલંકાના માછીમારોની વિવાદ તથા શ્રીલંકાના તમીલ લોકોની બાબતો અંગે પણ બંને દેશોના વિદેશમંત્રીઓએ સઘન વાતચીત કરી હતી. 

30મી ડિસેમ્બર 2020ના રોજ ભારત – શ્રીલંકાના મત્સ્યોદ્યોગ ક્ષેત્રના સંયુક્ત જૂથની બેઠક યોજાઈ હતી. 

શ્રી જયશંકરે શ્રીલંકાના મત્સ્યોદ્યોગ મંત્રી ડગલાસ સાથેની મંત્રણામાં સંયુક્ત જૂથની બેઠકમાં સહકાર વધારવા સધાયેલી સંમતિના અમલીકરણની સમીક્ષા કરી હતી. 

તેમણે શ્રીલંકાના નૌકાદળે બંદી બનાવેલા ભારતના માછીમારોને ઝડપથી મુક્ત કરવા અંગે પણ રજૂઆત કરી હતી. 

શ્રીલંકાના વહીવટીતંત્રના કેટલાંક સભ્યો શ્રીલંકાના બંધારણની કલમ 13માં સુધારો કરવાની માંગણી કરી રહ્યા છે. 

બંધારણની તેરમી કલમમાં પ્રાંતિય પરિષદને સત્તાઓ સોંપવાની જોગવાઈ છે. 

વર્ષ 1987માં સધાયેલી ભારત-શ્રીલંકા સંધિ ઉપર હસ્તાક્ષર કરતી વખતે, આ ભલામણ કરવામાં આવી હતી. 

જોકે, ભારત સરકાર શ્રીલંકાની એકતા, સ્થિરતા, અને અખંડીતતા પ્રત્યે સમર્પિત હોવાથી તેરમી કલમની જોગવાઈ મુજબ પ્રાંતિય પરિષદોને જરૂરી સત્તાની સોંપણી બાબતે શ્રીલંકાની સરકાર પ્રતિબદ્ધતા દાખવે, તેવું ભારત માને છે. 

શ્રી જયશંકરની આ મુલાકાતથી ભારતે એ દર્શાવ્યું છે કે, ભારત , શ્રીલંકાનો સૌથી વિશ્વસનીય અને આધારસ્વરૂપ મિત્ર દેશ છે. ભારત પરસ્પર વિશ્વાસ, હિત તથા સંવેદનશીલ અભિગમ સાથે શ્રીલંકા સાથેની મૈત્રી સુદૃઢ બનાવવા તત્પર છે.