ભારતે આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાના અનુરોધ અંગે સમીક્ષા

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદે બહાલી આપેલા ઠરાવ ક્રમાંક 1373ને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે સલામતી પરિષદની બેઠક વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાઈ ગઈ.

આ ઐતિહાસિક ઠરાવ આતંકવાદ સામેની લડાઈ અંગેનો હતો.

અમેરિકામાં નવેમ્બર માસમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સલામતી પરિષદે આ ઠરાવને બહાલી આપી હતી.

એક રીતે આતંકવાદ સામેની વિશ્વ સમુદાયની લડાઈને જોતાં, આ ઠરાવ ઐતિહાસિક ગણાવી શકાય.

આ ઠરાવ અંગેની બેઠકને સંબોધતાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યુ હતું કે, આ ઠરાવ આપણને યાદ અપાવે છે કે, આતંકવાદ એ સમગ્ર માનવજાતિ માટે સૌથી મોટો ખતરો છે.

તે માત્ર માનવજીવન ઉપર જ નહીં પણ માનવતાના પાયા ઉપર કૂઠરાઘાત કરે છે. આ ઠરાવમાં સમગ્ર સલામતી પરિષદે માનવ સામે ખતરારૂપ આતંકવાદના દૂષણને ડામવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, આતંકવાદનો સામનો વિશ્વ સમુદાયે સાથે મળીને કરવો જોઈએ. તે બાબતની તરફેણ ભારતે પ્રથમથી જ કરી હતી. રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં 1373 ઠરાવ મંજૂર કરાયો તે પહેલાં જ આતંકવાદનો સામનો કરવા માટે સર્વગ્રાહી કાયદાકીય માળખું પુરું પાડવાના હેતુથી ભારતે પહેલ કરીને આંતરરાષ્ટ્રીય આતંકવાદ અંગે સર્વગ્રાહી સંધિને મુસદ્દો તૈયાર કર્યો હતો. એટલું જ નહીં ભારતે અત્યાર સુધી રાષ્ટ્રસંઘ દ્વારા આતંકવાદ સામેના રજૂ કરાયેલા બધા જ ઠરાવોને અને પ્રોટોકોલને માન્યતા આપી છે.

વિદેશમંત્રી શ્રી જયશંકરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રસંઘનો 1373 મો ઠરાવ અને આતંકવાદનો સામનો કરવા અંગેની સમિતિએ વિશ્વ સમુદાયની આતંકવાદ સામેની લડાઈમાં મુખ્ય આધારસ્તંભ સમા છે. રાષ્ટ્રસંઘે આતંકવાદનો સામનો કરવા હાથ ધરેલા અન્ય પ્રયાસોના કારણે સભ્ય દેશોની ટેકનીકલ ક્ષમતામાં વધારો શક્ય બન્યો છે. રાષ્ટ્રસંઘ દ્વારા મુકાતા પ્રતિબંધો પણ આતંકવાદ સામેની લડાઈમાં અસરકારક સાધન પુરવાર થયું છે.

તાજેતરના વર્ષોમાં આતંકવાદી જૂથોએ ડ્રોન, વર્ચ્યુઅલ કરન્સી  જેવા નવા સાધનોની મદદથી પોતાની ક્ષમતામાં અસાધારણ વધારો કર્યો છે. સોશિયલ મીડિયાના લીધે આતંકવાદી જૂથો યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમની ભરતી કરવામાં વધુ સફળ બની રહ્યા છે.

ગયા વર્ષે શરૂ થયેલા કોવિડ રોગચાળાને લીધે આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. લોકડાનના કારણે આર્થિક પ્રવૃત્તિને અસર થતાં તેમજ દૂર રહેવાના કારણે ઊભા થતા માનસિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના લીધે આતંકવાદીઓના દૂષપ્રચારનો પ્રભાવ વધ્યો છે.

વિદેશમંત્રીએ જણાવ્યું કે, આતંકવાદીઓને મળતી આર્થિક સહાયની યોગ્ય રીતે તપાસ કરવા જરૂરી ટેકનીકલ જ્ઞાન અને કામગીરીની વ્યવસ્થા તથા કાયદાકીય ક્ષેત્રે કેટલાક દેશો અપૂરતી સુવિધા ધરાવે છે. જ્યારે બીજા કેટલાંક દેશો આતંકવાદને પ્રોત્સાહન અને સમર્થન આપવાની કામગીરી કરી રહ્યા છે.

આવા દેશો આતંકવાદીઓને સલામત આશ્રય સ્થાન પુરું પાડે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે સાથે મળીને આવા કસૂરવાર દેશોને જવાબદાર ઠેરવીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સિસ્ટમ આતંકવાદના દૂષણ સામે યોગ્ય કાર્યવાહી કરી શકે તે હેતુથી ભારતના વિદેશમંત્રી જયશંકરે કેટલાંક મુદ્દાઓ સુચવ્યા હતા. તેમાં બધાં જ દેશોએ કોઈપણ ખચકાટ વિના આતંકવાદને કચડવાની રાજકીય ઇચ્છા શક્તિ દર્શાવવી જોઈએ, આતંકવાદ સામેની લડતમાં બેવડા ધોરણો રાખવા ન જોઈએ, અને આતંકવાદીઓના સારા અને ખરાબ એ રીતે વિભાગો ન પાડવા જોઈએ તે બાબત ભારપૂર્વક રજૂ કરી હતી.

શ્રી જયશંકરે ત્રાસવાદ વિરોધી કામ કરતી તેમજ પ્રતિબંધો લાદવાની કામગીરી કરતી રાષ્ટ્રસંઘની સમિતિની કાર્યપદ્ધતિમાં સુધારો કરવાની ભારપૂર્વક હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે, આ સમગ્ર કામગીરીમાં અસરકારકતા, પારદર્શકતા અને જવાબદેહીતા હોવા ખૂબ જ આવશ્યક છે.

બધા જ દેશોએ સામાજિક તાણાવાણાને નુકસાન પહોંચાડવા તથા વિશ્વમાં ભાગલા પાડવાની નીતીનો સ્પષ્ટ રીતે વિરોધ કરવો જોઈએ. રાષ્ટ્રસંઘનું આવું વલણ આતંકવાદના લીધે અદના નાગરિકમાં ઊભો થતો ભય અને વિવિધ સમુદાયો વચ્ચે વધતાં તિરસ્કારના દૂષણને રોકી શકશે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મુકાતા પ્રતિબંધો રાજકીય અથવા ધાર્મિક મુદ્દાઓના આધારે નહીં પણ તટસ્થ રીતે વિચારણા બાદ મુકાવા જોઈએ. તેમ શ્રી જયશંકરે કહ્યું હતું.

વર્ષ 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ ધ઼ડાકાના કેસને ટાંકીને શ્રી જયશંકરે કહ્યું કે, આતંકવાદ અને એકથી વધુ દેશમાં કરાતા પ્રાયોજીત ગુનાઓ ઉપર વચ્ચેનું બીડાણ વિશ્વ સમુદાય સમજીને તેનો સામનો કરવાની જરૂર છે.

તેમણે આર્થિક કામગીરી અંગેના કાર્યદળ FATFએ તેની આતંકવાદી સંગઠનોને મળતા નાણાંના સ્ત્રોત શોધવાની કામગીરી વધુ અસરકારક બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.

શ્રીજયશંકરે કહ્યું કે, આતંકવાદ સામે કાર્યવાહી કરતાં રાષ્ટ્રસંઘની સંસ્થાઓને મળવા પાત્ર નાણાં સમયસર મળે છે. તે બાબત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોએ સુનિશ્ચિત કરવી જોઈએ.

શ્રીરંગ તેંડુલકર, રમેશ પરમાર

લેખક – કૌશિક રૉય,
આકાશવાણીના સમાચાર વિશ્લેષક